સારંગપુર : ૧૭
અમારો ભક્ત પોતાને દેહરૂપ માને ત્યારે અમને સાક્ષી જેવા એટલે પ્રધાનના પતિ પુરુષ જેવા જાણે અને પોતાને સાક્ષીરૂપ માને ત્યારે અમને સાક્ષીથી પર જે મૂળપુરુષ તેવા જાણે, ત્યાર પછી સૂક્ષ્મદૃષ્ટિ થાવા માંડે તે જેમ જેમ સૂક્ષ્મદૃષ્ટિ થાતી જાય તેમ તેમ અમને પોતાનાથી પર જાણતો જાય અને અમારો મહિમા વધુ વધુ સમજતો જાય અને અમારી ઉપાસના દૃઢ થાતી જાય અને અમારી અતિ અપાર મોટપ જણાતી જાય અને અમારે વિષે દાસપણું અતિ દૃઢ થાતું જાય. ભજનનો કરનારો જીવરૂપે હતો ત્યારે એમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો, પછી દીવા જેવો થાય છે, પછી મશાલ જેવો થાય છે, પછી જ્વાળા જેવો થાય છે, પછી દાવાનળ જેવો થાય છે, પછી વીજળી જેવો થાય છે, પછી ચંદ્ર જેવો થાય છે, પછી સૂર્ય જેવો થાય છે, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થાય છે, પછી મહાતેજ જેવો થાય છે. એવી રીતે સુખ, સમર્થ્ય ને પ્રકાશ તે વૃદ્ધિ પામે છે ત્યારે એ ભક્તને અમારે વિષે દાસપણું અતિ દૃઢ થાતું જાય છે. (૯૫)