ગઢડા છેલ્લું : ૩૯

દેહમાં અહંબુદ્ધિ ને પદાર્થમાં મમત્વબુદ્ધિ એ જ માયા છે. તે માયાને ટાળીને અમારે વિષે પ્રીતિ કરવી. માયા થકી રક્ષા કરજો, તમારા સાધુનો યોગ થજો, તે સાધુને વિષે હેત ને મમત્વ થજો, એમ અમારી પાસે માગવું. સાધુ સાથે કોઈક નિમિત્તે બોલાચાલી થાય તો પોતાને આત્મા જાણતા હોઈએ તો સાધુનો અવગુણ ન આવે માટે પોતાને દેહથી પૃથક્‌ આત્મા જાણવો તે આત્મા તેજસ્વી છે, જાણપણે યુક્ત છે ને અજર-અમર છે. અમે અનંત બ્રહ્માંડના રાજા છીએ, અતિશય સુખમય છીએ, સર્વને સુખના દાતા છીએ, સર્વેના કર્તા છીએ, અતિશય સમર્થ છીએ, આવું અમારું માહાત્મ્ય જાણે તો અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય ને અમારે વિષે પ્રીતિ થાય. આત્મા પરમાત્માના જ્ઞાનનો વેગ લગાડી દે તો આ જ્ઞાન સિદ્ધ થાય. ઇંદ્રિયોની વૃત્તિ વિષયમાંથી નીકળીને અમારે વિષે વળગે, તેને જ સત્સંગી કહીએ. આ વાત દૈવી જીવને રગરગમાં પ્રવર્તી જાય ને આસુરી જીવને બહાર નીકળી જાય. અમે એક જ ભગવાન છીએ પણ અમારા જેવો કોઈ થતો નથી. આ વાત સમજાય તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી ને આવી દૃઢતાવાળાનો સંગ રાખવો. આત્મા તથા અમારા માહાત્મ્ય સામી દૃષ્ટિ રાખે તો કોઈ ઠેકાણે બંધાય નહિ. (૨૭૩)