૬. સદૈવ સેવક (વિભાગ - ૧)
સં. ૧૯૫૧ની વાત છે. અનાદિમુક્તરાજ અબજીબાપાશ્રીએ અસંખ્ય મુમુક્ષુઓને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીની દિવ્ય મૂર્તિમાં જોડવા કચ્છમાંથી અમદાવાદ - ધોળકા વગેરે ગામો તરફ વિચરણ કરવા સંકલ્પ કર્યો. પ્રથમ પોતાને વિશે અતિ ભાવવાળા મુક્તરાજ રામજીભાઈને ઉપરદળ ગામ જઈ, તેમની માંદગીમાં રાજી કરી, પોતે ધોળકા પધાર્યા. સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીશ્રી તે વખતે ધોળકા મંદિરમાં મહંત હતા. તેમણે બાપાશ્રીનો અતિ પ્રતાપ ને મહિમા જાણી લઈ અતિ ભાવપૂર્વક સેવા કરી. બાપાશ્રીએ રાજી થઈને કહ્યું : ‘સ્વામી ! તમે શું કરવા આવ્યા છો અને શું કરો છો ?’ ત્યારે સ્વામી બોલ્યા : ‘અત્યારે તો કાંઈ જણાતું નથી, ને કરવાનું છે તે થતું પણ નથી.’ બાપાશ્રી કહે : ‘કરોને, કેમ થતું નથી ?’ ત્યારે સ્વામીશ્રી કહે : ‘તમે કરાવો તો થાય.’ ત્યારે બાપાશ્રી કહે : ‘સ્વામી ! તમે તો શ્રીજીમહારાજના અનાદિમુક્ત છો, ને તમને તો શ્રીજીમહારાજે મુમુક્ષુઓને સુખિયા કરવા મોકલ્યા છે, માટે સર્વેને સુખિયા કરો !’ એમ કહેતાંમાં તો સ્વામીશ્રીને શ્રીજીમહારાજનાં તેજોમય દર્શન થયાં ને પોતાની અનાદિમુક્તની સ્થિતિ જણાઈ આવી.
એક વખત સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીશ્રીએ બાપાશ્રીને પ્રાર્થના કરી : ‘‘જેમ સરકારે નળ નાખ્યા, વીજળીના દીવા નાખ્યા, તેમાં નાનું બાળક હોય તે નળ ફેરવે કે પાણી ચાલ્યું આવે ને ચાંપ દાબે કે દીવા થાય, એમ તમે એવી દયા કરો કે મૂર્તિને સંભારે કે તરત દર્શન થાય !’’ તે પ્રાર્થના સાંભળી અબજીબાપાશ્રી કહે : ‘‘પ્રલય સમયે ધ્રુવના તારા સુધી પાણી ભરાણું હોય ત્યારે કોઈ નળ નાખવાનું કહે તથા ચિદાકાશની દૃષ્ટિ થાય ને સર્વત્ર મહાતેજ દેખાતું હોય ત્યારે કોઈ દીવા નાખવાનું કહે, તેમ તમારી પ્રાર્થના છે ! આપણે તો સૌને મૂર્તિ આકારે કરી અનાદિમુક્તની સ્થિતિમાં રાખવા છે. તમારે પણ એ જ કામ કરવાનું છે. આ રીતે પછી તેમણે અબજીબાપાશ્રીના વચનાનુસાર શ્રીજીમહારાજની પ્રસન્નતાર્થે અનેક મુમુક્ષુઓને ‘ધ્રુવના તારા સુધી ભરાયેલા જળમાં ડૂબે’ તેમ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિને વિષે જોડવાનું કામ જીવનપર્યંત કર્યું. એવા આ સદગુરુ વૃંદાવનદાસજી સ્વામી, સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીની જોડ સમા હતા.
અમૃત પીરસવાના કામે જ લાગેલા સોમચંદભાઈ પોતાના હેતરુચિવાળાને દિવ્યરસના મહામોટા સ્રોતરૂપ મુક્તો પાસે લઈ જઈ અમૃતના ભાગી બનાવતા. સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ પોતાની આ લોકની લીલા સંકેલી લીધી, તેથી મુમુક્ષુઓને સોમચંદભાઈ વારે વારે સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીશ્રી પાસે લઈ જઈ, તેમના જ્ઞાનગંભીર અનુભવસિદ્ધ ઉપદેશનું પાન કરાવી, મૂર્તિમાં સ્થિતિ થવા રૂપ આશીર્વાદ લેવરાવતા. એ અમૃતરસ જેમણે એક વાર માણ્યો ને જાણ્યો તેમને ફરી ફરી એ લહાવો લેવાની ઉત્કંઠા થતી, સૌ હરિભક્તો સોમચંદભાઈને ફરી વળે અને કહે : સ્વામીને અમારે ત્યાં પધરાવો, સ્વામી અમારા છે, અમને લાભ આપો ! સ્વામીશ્રી ગામેગામ વિચરતા થકા અનેકને શ્રીજીસ્વરૂપમાં જોડતા ને સેવામૂર્તિ સોમચંદભાઈ સાથે જ હોય. સ્વામીશ્રી સં. ૧૯૦૪માં આ પૃથ્વી ઉપર પધાર્યા. સં. ૧૯૯૯માં દયાળુ મૂર્તિ સ્વામીશ્રી ૯૫ વર્ષની ઉંમરે પણ શ્રીહરિજીને રાજી કરવા ગામેગામ ફરી અનેક મુમુક્ષુઓને પોષતા, સોમચંદભાઈએ સ્વામીશ્રીની રુચિ બરાબર સમજી રાખેલી. તેથી સોમચંદભાઈની હાજરી એટલે સ્વામીશ્રીનો રાજીપો ને સેવા - બંને મેળવવાનો ઉત્તમ અવસર. હરિભક્તો આ યોગને અનેરો માની સોમચંદભાઈને લઈને સ્વામીશ્રીના સમાગમ માટે આવતા.
સં. ૨૦૦૦ની સાલમાં પોતાના હેતરુચિવાળા સૌ હરિભક્તોને પોતાનાં દર્શન - સેવા - સમાગમ - રાજીપાનું દાન દેવાનો છેલ્લો અવસર કરીને, સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીશ્રી ગામેગામ વિચર્યા. ન જોયો થાક, ન જોઈ પોતાની અવસ્થા. સોમચંદભાઈને સેવામાં જોડે રાખ્યા. વળી, ક્યારેક સ્વામીશ્રી મૂળી - અમદાવાદ જેવા મોટા મંદિરમાં થોડો વધુ સમય રોકાવાના હોય ત્યારે સોમચંદભાઈને ખાસ સૂચના આપી આજુબાજુનાં ગામોમાં મોકલી હરિભક્તોને શ્રીહરિની મૂર્તિ સંબંધી પોષણ મળે એ માટે બોલાવતા.
અમે બધે ફરી, દર્શન દઈ સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા. મંદવાડ ગ્રહણ કર્યો. સોમચંદભાઈ તો સેવામાં સદાય સાથે ને સાથે. સ્વામીશ્રીની અંગસેવામાં જોડાઈ ગયા. થોડો સમય મંદવાડ દેખાડી સ્વામીશ્રીએ લીલા સંકેલી લીધી, જંગમતીર્થ બંધ થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય બગીચાને જાળવવા - પ્રફુલ્લિત રાખવા - સંવર્ધન કરવા બાકી રહેલા માળી - સંવાહકોની જવાબદારી વધી.
સંવત ૨૦૦૦ની સાલ (ઇ. સ. ૧૯૪૪) પૂરી થઈ. કરાંચીના હરિભક્તો પત્ર ઉપર પત્ર લખે છે કે સોમચંદભાઈ ! હવે અમને શ્રીજીના સુખની વાતોની રસલહાણ કરવા માટે કરાંચી ક્યારે આવો છો ? આમ સોમચંદભાઈની સ્થિતિ પારખી સદગુરુઓએ તેમને ગામેગામના મુમુક્ષુઓની જ્ઞાનપિપાસા છિપાવવાના સદાવ્રતમાં જોડી દીધા. ભગવાનની કૃપાની તો કાંઈ અવધિ છે ? મુમુક્ષુઓ મુક્તોને શોધે એ સનાનત રીત તો સૌએ જાણી, પણ આ તો ભગવાને મુક્તોને મુમુક્ષુઓના ઘેરઘેર સામે પગલે મોકલ્યા ! સદાવ્રત લેવાવાળાને સદાવ્રતના સ્થાને ય જવાનું નહિ, સદાવ્રતવાળા જ ઘેર ઘેર પીરસવા નીકળ્યા ! કોઈ લ્યો ! કોઈ લ્યો ! એક વખત એ રસરૂપ મૂર્તિના રસનો ઘૂંટડો ભર્યો, તે એના રંગે રંગાઈ ગયા ! પણ સદાવ્રતવાળાને કેટકેટલું ફરવાનું ?
જળકમળવત્ નિર્લેપ રહીને બાઈ-ભાઈ એમ બંનેમાં - બે પડાળી સત્સંગ કરાવવાની બેવડી જવાબદારી બાપાશ્રીએ નૈષ્ઠિક વ્રતધારી સોમચંદભાઈને સોંપી હતી. તેમણે ગૃહસ્થાશ્રમીઓના ઘેરઘેર જઈને બાઈ-ભાઈ-વૃદ્ધ-જુવાન-બાળક-ગાય-ભેંસ-ઘોડા-જીવપ્રાણીમાત્ર સુધી શ્રીહરિજીની અનુપમેય કરુણા પહોંચાડી. કરાંચીને જ કેવળ સંભાળીને બેસી રહ્યે હવે ચાલે તેમ ન હતું ! તે છતાં જે જે એક વાર કરુણાદૃષ્ટિમાં આવ્યા તે સૌને સતત પોષણ દેવાનું તો ચાલુ રાખવાનું જ હતું, તેથી સોમચંદભાઈ પાછા કરાંચી આવ્યા.
પરંતુ દેશકાળ બદલાવા લાગ્યા હતા. ભારત દેશની આઝાદી આવતા પહેલાંના કોમવાદી ઓળા આખા કરાંચી ઉપર ઝળુંબતા હતા. ધન, આબરૂ, પ્રાણના નાશ સુધીનો આપત્કાળ કરાંચી બંદરે આવી પહોંચવાને હવે ખાસ વાર ન હતી. ભગવાને તો આશરે આવેલા સૌની આ લોક અને પરલોક - એમ બંનેની દેખભાળની જવાબદારી સ્વીકારી છે. સોમચંદભાઈ કરાંચીમાં હેતવાળા સૌ હરિભક્તોને ઘેરઘેર ફરી વળ્યા અને જણાવ્યું : ‘‘ભલે તમે ગમે તેટલાં વર્ષો-પેઢીઓથી અહીં કરાંચીમાં વસેલા હો, હવે કરાંચી છોડવાનું છે. વેપારધંધા સમેટવા માંડો, ઘરવખરી ભેગી કરી લો, કુટુંબ-કબીલાને મોકલવા માંડો. શ્રીહરિનો આદેશ છે કે ભૂંડા દેશકાળમાં પોતાના વતનનો પણ ત્યાગ કરી બીજે જ્યાં ઉપદ્રવ ન હોય ત્યાં જઈને વસવું, માટે ગુજરાત-સૌરાષ્ટ્ર-મુંબઈ તરફ ચાલી નીકળો.’’
સોમચંદભાઈનું પોતાનું કુટુંબ તો સાવ સરળ ને વિશ્વાસુ. તરત ગાંસડા-પોટલાં તૈયાર કરીને કરાંચી છોડી વાંટાવદર-માથક-હળવદ-ધ્રાંગધ્રા પહોંચી ગયા. કુટુંબના સૌને - અને તેમાં ય ખાસ કરીને સાંખ્યયોગી જીવીબહેન અને ગૃહસ્થાશ્રમી દિવાળીબહેનને - સોમચંદભાઈનો સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો કે સોમચંદભાઈ સ્વામિનારાયણ ભગવાનની અનેરી મસ્તીથી ઊભરાઈ રહ્યા છે. તેથી સોમચંદભાઈએ જેમ સ્વામિનારાયણ ભગવાનની ઝીણામાં ઝીણી આજ્ઞા મન, કર્મ, વચનમાં આત્મસાત્ કરી હતી, તેવી જ રીતે કુટુંબના સૌ કોઈ શ્રીજીની આજ્ઞાઓનું અક્ષરશઃ પાલન કરવા સતત પ્રયત્નશીલ રહેતા.
દિવાળીબહેનને એવી રીતે તૈયાર કરેલાં કે સાસરામાં મોટું કુટુંબ, મોટો વ્યવહાર, સર્વેના સ્વભાવ પણ કડક, છતાં ય ખૂબ જ પ્રેમ અને શાંતિથી શ્રીજીમહારાજને અખંડ સંભારતા થકા કામ કર્યા જ કરે. વ્યવહારનો ભાર દેખાય ભલે, પણ અંતરમાં રંચમાત્ર અસર નહિ. ગૃહસ્થાશ્રમી છતાં સોનાનો જરાય મોહ નહિ તેથી દાગીના-અલંકારો હોવા છતાં ય પોતાને ન ખપે, તેટલું જ નહિ પણ ભભકદાર સારું વસ્ત્ર પણ ન પહેરે. ગમે તેવો શુભ માંગલિક વ્યવહારનો પ્રસંગ હોય, પણ મર્યાદિત સાદાં વસ્ત્રો પહેરીને જ ઊજવી દે. દીકરીનાં લગ્ન હોય કે દીકરાનાં, પણ એક ધારી જ રીત. ગમે તેવા શુભ પ્રસંગે પણ હરખનો અતિરેક ક્યારેય ન દેખાય. તેમજ કોઈ દેહ મૂકી જાય - શોકમાં ય ડૂબેલાં દેખાય નહિ. મેરુ સરખી ધીરજ ધારણ કરી સૌને આશ્વાસન આપે, અને ‘શ્રીજીમહારાજની મરજી પ્રમાણે થાય છે’ એમ કહી શ્રીહરિનાં વચનોની સૌને સ્મૃતિ કરાવે. ‘ધણીના ગમતામાં આપે શું હાય-વોય કરવી’ એમ કહી શાંત પાડે. આમ, ઉત્તમ ગૃહિણી એવાં દિવાળીબા કુટુંબમાં - પરિચયમાં આવનાર સૌમાં - વહાલાં થઈ રહેલાં. આ બધો પારસના સ્પર્શનો પ્રતાપ ! શ્રીહરિજીનાં વચનો અધ્ધરથી ઝીલવાની તત્પરતાનો પ્રતાપ !
શ્રીહરિજીની આજ્ઞાપાલનની અતિ તીવ્રતાથી રાજી થઈ સોમચંદભાઈ જીવીબહેન-દિવાળીબહેનની સાથે વધારે રહેતા.