ગઢડા છેલ્લું : ૧
વૈરાગ્ય ન હોય તો બીજા મનગમતા પદાર્થમાં અમારા જેવી પ્રીતિ થઈ જાય. આત્મનિષ્ઠા ન હોય તો દૈહિક સુખ-દુઃખમાં વૃત્તિ ચૂંથાઈ જાય. વૈરાગ્યે કરીને અમારી મૂર્તિ વિના બીજા માયિક આકાર ખોટા થઈ જાય છે. આત્મનિષ્ઠાએ કરીને માયિક સુખ-દુઃખ ખોટાં થઈ જાય છે. આત્મનિષ્ઠા ન હોય તો સમાધિમાંથી બહાર આવે ત્યારે ચાળા ચૂંથવા માંડે. જ્ઞાનના અંગવાળાને અમારું અતિશય માહાત્મ્ય સમજાય ને અમને અંતર્યામી જાણે. હેતના અંગવાળાથી અમારા વિના રહેવાય નહિ ને અમારે અર્થે ન કરવાનું પણ કરે. એ બેમાંથી એકેય અંગ ન હોય તે ચાળા ચૂંથણો છે. શિક્ષાપત્રી વાંચવી ને વાંચતા ન આવડે તેણે સાંભળવી અને સંભળાવનાર ન હોય તો પૂજા કરવી. તેમાંથી ફેર પડે તેણે એક ઉપવાસ કરવો. (૨૩૫)