ગઢડા પ્રથમ : ૫૫
દેશકાળાદિક અતિ ભૂંડા થાય તો અમારા ભજન સ્મરણની તથા વર્તમાનની ઉત્તમ દૃઢતાને પણ ટાળી નાખે. જેને પૂર્વનું ભારે બીજબળ ને ભારે પુણ્ય હોય તેની દૃઢતા ટળે નહિ. જેણે પૂર્વજન્મે તથા આ જન્મે મોટું પાપ કર્યું હોય અથવા અમારા મોટા ભક્તનો દ્રોહ કર્યો હોય તેને દેશ, કાળ, સંગાદિક અતિ પવિત્ર હોય તો પણ તેનું અંતર ભૂંડું થઈ જાય છે. તે જો ખબરદાર થઈને એવા મોટા પુરુષની સેવા કરે તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. માટે સારા દેશાદિક સેવવા.