પત્ર : ૧૧
સુવાસિનીબાઈએ શ્રીજીમહારાજ નાના હતા ત્યારે મનુષ્ય લીલાથી મોહ પામી એક ધોલ મારેલી, તે ઘણા વખતે સાંભરી, તેથી એક દિવસ રોવા લાગ્યાં, અને કહ્યું કે હું ભક્તિમાતાને અક્ષરધામમાં શું જવાબ દઈશ ? જેને મોટા મોટા અવતારો વંદે છે તેવા સર્વોપરી ભગવાનને મેં ધોલ મારી ! એ વિચારે પસ્તાવો કરી મહારાજ પાસે ગુનો માફ કરાવવા પ્રાર્થના કરી, ત્યારે મહારાજ કહે : તે તો તમે બહુ સારું કામ કર્યું હતું, કારણ કે હું ભગવાનપણું ભૂલી ગયો હતો પણ તમે મને ધોલ મારી ત્યારથી કોઈ દિવસ ભગવાનપણું ભુલાતું નથી. હવે ધોલ માર્યાનું ફળ શું ? તો હું નાનો હતો ત્યારથી મેં જે જે મોટાં કામો કર્યાં, અનંત જીવનો મોક્ષ કર્યો, મોટાં મોટાં જગન કર્યાં, મોટાં મોટાં ધામ બાંધ્યાં, તેમાં અસંખ્ય જીવોનો મોક્ષ થયો તેનું જે ફળ થાય તે ફળ હું તમને આપું છું. આવો મહારાજે રાજીપો બતાવ્યો. એમ અવળાનું સવળું કરી પોતાના મુક્તોને રાજી કર્યા. તેમ આપણે પણ પ્રાર્થના કરવી.