લોયા : ૪
અમે અમારા ધામને વિશે રહ્યા થકા અમારી ઇચ્છાએ કરીને અનંત કોટિ બ્રહ્માંડને વિષે અનંતરૂપે દર્શન આપીએ છીએ. અમારી મૂર્તિ સદાય એકસરખી છે, પણ જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં એવી અમારી ઇચ્છાએ કરીને દેખાડીએ છીએ અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરીએ છીએ. સદાય દ્વિભુજ છીએ તો પણ અમારી ઇચ્છાએ કરીને ક્યાંક ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજને દેખાડીએ છીએ તથા મચ્છ, કચ્છાદિક રૂપે દેખાઈએ છીએ. અનંતકોટિ બ્રહ્માંડને વિશે અમે અંતર્યામીરૂપે વ્યાપીને રહ્યા છીએ. અમને નિર્દોષ સમજે તે માયાને તર્યા કહેવાય. કલ્યાણની રીત એકસરખી છે, પણ ભજનારા પુરુષના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થાય છે. અમારા જેવો થવાને અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. અમારી પાસે તથા અમારા સંતની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું. ભૂંડા દેશકાળાદિકમાં મૂંઝાવું નહિ. (૧૧૨)