પત્ર : ૩૧
એક રે’ણીવાળા અને કોમળ સ્વભાવવાળાને શ્રીહરિ સહાય કરે છે. ધીરજ જુવે. કસોટી કઠણ છે, તે માટે શૂળીનું દુઃખ કાંટે મટાડે છે. પ્રારબ્ધ કઠણ હોય તો ય માફ કરી દે છે, કેમ કે કૃપાના સમુદ્ર છે. ભક્તનાં દુઃખ જોઈ શકતા નથી. ‘‘કોઈને દુખિયો રે દેખી ન ખમાય,’’ એવો સહજ સ્વભાવ છે. એવા શ્રીજીમહારાજની આપણા પર અમૃત નજર છે, આપણા શિરે અભય હાથ છે. ઔષધિનું પોષણ ચંદ્રમા આકાશમાં રહ્યા થકા કરે છે તેમ અક્ષરધામરૂપ તખ્તમાં બેઠા થકા અમૃત વરસાવી સુખિયા રાખે છે. તેથી એ મૂર્તિનું બળ રાખી આનંદમાં રહેવું. નાજા જોગિયાના ગોઠણ ભાંગવાની વાત થઈ કે શ્રીહરિ આગલી રાત્રે પરોઢમાં ત્યાં પહોંચ્યા. દરબાર વાસુર ખાચરને મળી તેવો દંડ દેવાનું સૌને માટે બંધ કરાવ્યું. આવા દયાના સાગર શ્રીહરિ પાસે પ્રાર્થના કરવી. આપણાથી આટલું થાય, બીજું તો એ સમર્થ ધણીના હાથમાં. ખરા ભક્ત તો દૈહિક રક્ષા માગતા જ નથી, છતાં મહારાજ ભક્તની વહારે ચડી તેમની સહાયતા કરે જ છે. માટે એમની જેમ મરજી તેમ આપણે આનંદ રાખવો :
‘‘દુર્જનિયાને દૂર ઘણા છો રે,
પ્રેમી જનના પ્રાણ છો જી રે, તમે હરિ હૈયાના હાર છો.’’
અ. મુ. સદગુરુ મુક્તાનંદ સ્વામીની આ પ્રસાદી છે. પરમ કૃપાળુ, પરમ દયાળુ, શરણાગતવત્સલ, નિજજનના જીવનપ્રાણ, ભક્તવત્સલ, કૃપાસિંધુ, ગરીબનિવાજ આવાં અનેક વચનોથી મોટા મોટા મુક્તો પ્રાર્થના કરે છે, તે જ રીતે આપણે પણ પ્રાર્થના કરવી.