• સદૈવ સેવક (વિભાગ - ૨)
સોમચંદભાઈ સદાય શ્રીહરિજીની મૂર્તિના સુખમાં રમણ કરતા, તે છતાં આબાલવૃદ્ધ - સૌ કોઈની સાથે ભળી જાય તેવી સરળતા જણાવતા. સેવાભાવમાં તો પૂછવાનું જ શું ? એક વખત પોતાના બનેવીને પથરીના ઑપરેશન માટે નડિયાદ દવાખાને રાખેલા. લાગણીભરેલું મોટું કુટુંબ, જેથી બધા તબિયત જોવા આવે. સૌને સત્સંગના નિયમ મુજબ ચોખ્ખું પાણી-જમવાનું જમાડી દર્દી અને હમદર્દીની સેવામાં રહેતા. કોઈ પણ કામમાં નાનપ ન જાણે. કપડાં ધોઈ નાખે, વાસણ ઊટકી નાખે, રસોઈ બનાવવા લાગે - બહેન સંકોચ પામે : ‘ભાઈ ! તમે રહેવા દ્યો !’ સોમચંદભાઈ કહે : ‘ભગવાને મને બાઈમાણસનો અવતાર આપ્યો હોત તો આ બધું કામ મારે માથે ન હોત ? માટે તેની ચિંતા મૂકી કીર્તન બોલો !’ કીર્તનભક્તિમાં સૌને પરોવી પોતે સેવારૂપ બને.
કુટુંબનાં બાળકો-કિશોરો ભેગાં થાય તો નિત્ય નવીન રમૂજ કરતા જાય ને સૌને શ્રીહરિનો રંગ અધિક ને અધિક ચડાવતા જાય. કીર્તનમાં મગ્ન કરે, તો ક્યારેક બાળકોને રાજી કરવા ચાલુ ઢાળમાં કીર્તન બનાવી કાઢી મજા કરાવે. એવું કવાલીના ઢાળનું સોમચંદભાઈનું કરેલું એક કીર્તનઃ
શ્રી સહજાનંદ સ્વામી
સૂર્ય સહજાનંદ પ્રગટ્યા અવની ઉપર જ્યારથી,
અભય વરદાને કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧
બાળરૂપ સૌને બતાવ્યું છપૈયાપુરની માંહી,
દિવ્યચરિત્રોથી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૨
નવયુગમાં યોગી બન્યા જોડી જડે નહિ જગતમાં,
તજી ભુવ જઈ વનમાં કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૩
વનવિકટ ફરતા મહાપ્રભુ નવલખા પર્વતમાં ગયા,
નવલક્ષ યોગીમાં કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૪
પછી શ્યામ સોરઠમાં પધારી લોજની વાવે ગયા,
મુક્તાનંદ પાસે કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૫
ગુરુશ્રી રામાનંદ સ્વામી હતા ભુજંગપુરે તે સમે,
પત્ર લખાવીને કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૬
આવ્યા ગુરુ અવતારી પાસે જોઈ વર્ણી વેશને,
બહુ હેતથી મળીને કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૭
મહાદીક્ષા પીપલાણે લઈ રાજી કર્યા ગુરુને હરિ,
કલ્યાણધ્વજ રોપી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૮
જેતપુરે ઉન્નડ ભૂપતિ ઘેર ધર્મધુરંધર પ્રભુ,
ગુરુવચન શિર ધારી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૯
ધામે સિધાવ્યા ગુરુ પછી અગણિત જીવો તારવા,
દેશવિદેશે ફરી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૦
દર્શન સમાધિ અગમ સુગમ કરી વાતની વાતમાં,
બ્રહ્મમહોલ દેખાડી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૧
ફરી શહેર પુર બજાર શેરી પતિતને પાવન કર્યા,
કરી મુક્ત મુમુક્ષુ કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૨
શ્રીપુર ઉત્તમ ધામ જે ત્યાં સ્થાપી ધર્મધુરને,
નરનારાયણ નામે કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૩
વડતાલમાં પણ એ રીતે ગાદી કરી શ્રીપતિતણી,
સમૈયા કરીને કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૪
થયાં ગામેગામ મંદિરો શ્રીહરિ બિરાજીને તહાં,
દૃષ્ટિમાં જીવો લઈ કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૫
આજ્ઞા પળાવી આકરી પરમહંસ મોટા સંતને,
હરિભક્તો સાથે લઈ કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૬
અદભુત પ્રતાપી એ પ્રભુ અદભુત કરતા કામને,
અસંખ્ય જીવોમાં કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૭
અવતારી જે અવતારના અક્ષરપતિ સર્વોપરી,
સકળ સ્વરૂપે કરી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૮
ધન્ય ધન્ય ધર્મકુંવર પ્રભુ ધન્ય ભાગ્ય જે શરણ થયા,
અખંડ સુખ અર્પી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૧૯
નોબત બજાવી મોક્ષની કલ્યાણ કરવા કારણે,
વર્તમાન પળાવીને કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૨૦
દિવ્યરૂપે સત્સંગમાં આચાર્ય સંત ને શાસ્ત્રમાં,
પ્રત્યક્ષ પ્રતિમારૂપે કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૨૧
મનુષ્યરૂપ અદૃશ્ય કરી અખંડ આ સત્સંગમાં,
મુક્તો ભેળા રહી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૨૨
શરદ્ઋતુ સ્થાપન કરીને શ્વાંત વરસાવ્યા હરિ,
કરી જીવમાંથી શિવ કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૨૩
સત્સંગરૂપી ક્ષેત્રમાં કલ્પતરુ સમ સંત થકી,
મૂર્તિરૂપ ફળ દઈ કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૨૪
દિવ્ય અમૃત રસ મહીં બસ કર્યા અગણિત દાસને,
અનાદિ પદ આપી કર્યો શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય. ૨૫
આમ બાળકોને રમાડતા-રમાડતા પણ સોમચંદભાઈનું નિશાન તો સૌ કોઈને શ્રીહરિજીમાં જોડવાનું જ !
સં. ૨૦૦૩ એટલે ઇ. સ. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો. અંગ્રેજો ગયા ને સત્તાનાં સૂત્રો ભારતીયોએ સંભાળ્યાં. તે વખતે ય સોમચંદભાઈની સેવાપ્રવૃત્તિ એવી ને એવી વણથંભી ચાલુ હતી. ગામેગામ ફરતા સૌને સમજાવતા; દેશ તો આઝાદ થયો, પણ આપણે ? આપણે આઝાદ થયા કે નહિ તેની સંભાળ-ચિંતા વધુ જરૂરી છે. આપણા જીવ ઉપર ફરી વળેલાં આવરણો ભેદી નાખીને ભગવાન સ્વરૂપે બનવું તે જ સાચી આઝાદી છે, મુક્તિ છે ! ભગવાનની કૃપાથી ભગવાનના મુક્તોને આવરણ ભેદ્યાની ગતિ છે, તેથી મુક્તોને વિશે આપોપુ કરીએ તો આપણાં આવરણ ભેદાય ને સાચા - આઝાદ થવાય. આપણને દિવ્ય ચિંતામણિ શ્રીહરિની મૂર્તિ મળી છે તેને જતન કરીને રાખવી. આપણને શ્રીહરિએ મુક્ત કર્યા છે ! આમ વાત કહી સૌને સતત મૂર્તિનું અનુસંધાન રાખવાનું અંગ પાડતા.
સં. ૨૦૦૪ની સાલ ચાલતી હતી ને પોતે ગામેગામ ને ઘરેઘર ફરતા સૌને આનંદસ્વરૂપ શ્રીહરિજીના આનંદરસથી તરબોળ કરતા થકા શ્રીજીસેવામાં વ્યસ્ત છે ત્યાં વાંટાવદરથી સમાચાર આવે છે : ભૂરામામાએ મંદવાડ ગ્રહણ કર્યો છે. સોમચંદભાઈ તરત નીકળી વાંટાવદર પહોંચી જાય છે. સં. ૧૯૧૮માં પ્રગટ થયેલા ભૂરાબાપાને ૮૬મું વર્ષ ચાલતું હતું. ભૂરાબાપાનું શરીર કૃષ થઈ ગયું હતું, શ્વાસની તકલીફ હોવાથી પડખાભર સૂવાતું નહિ, હાંફ જણાય, પરંતુ મોટાનો મંદવાડ તો અનેક જીવોને સેવાનો લાભ આપી તેમનાં આવરણ હટાવવાનું સદાવ્રત જ છે, તે સોમચંદભાઈ જાણે છે. સૌ સગાં-વહાલાંને પત્રથી, માણસ મોકલી કે અન્ય રીતે જાણ કરાવે છે, જેથી સૌ આ અંતિમ લીલાનાં દર્શન-સેવાનો લાભ લઈ શકે. સોમચંદભાઈ તો સેવારૂપ છે જ, પણ સૌને સેવારીતિ પોતે શીખવી લાભ અપાવે છે. સોમચંદભાઈની સેવારીતિથી ભૂરાબાપા ખૂબ રાજી થાય છે. અંતિમ લીલા વખતે સોમચંદભાઈ ભૂરાબાપા પાસે એવાં આશીર્વચન અપાવે છે કે, ‘‘આ વખતે જે કોઈ હાજર રહ્યા છે, પણ આવી શક્યા નથી, તે સૌનો છેલ્લો જન્મ કરી આત્યંતિક કલ્યાણ કરી, મહારાજ તેમની મૂર્તિના સુખમાં રાખી દેશે !’’ દીવો પ્રજ્વલ્લિત હોય ત્યારે પ્રકાશ આપે, ને વિલીન થતાં પહેલાં તો વિશેષ રીતે પ્રજ્જ્વળીને વધુ પ્રકાશ આપે ! તેમ ભેગા થયેલા સૌ કોઈ ન્યાલ થયા. તેમને સૌને તે વખતે ત્યાં બોલાવી લેનારા સેવામૂર્તિ એવા કે કોઈને ય આભારનો ભાર ન લેવા દે. સોમચંદભાઈએ આ રીતે સર્વે પર મહદ્ ઉપકાર કર્યો.
ધ્રાંગધ્રા-હળવદ પંથકના સત્સંગીઓને તો સં. ૨૦૦૪માં બે કાળ ભેગા પડ્યા ! ભૂરાબાપાએ જેઠ માસમાં ભૌતિક દેહની લીલા સંકેલી લીધી, તેની હજુ કળ વળે તે પહેલાં તો સમાચાર આવ્યા કે ધ્રાંગધ્રામાં સદગુરુ ભગવત્સ્વરૂપદાસજી સ્વામીશ્રી મંદવાડ વિશેષ જણાવે છે. સોમચંદભાઈને ને સ્વામીશ્રીને અંતરની એકતા છે. શ્રીહરિજીની એક જ મૂર્તિમાં રસબસપણે સુખભોક્તા મુક્તોની એકતા તો અજોડ જ હોય ને ? સ્વામીશ્રીના મંદવાડના સમાચાર સોમચંદભાઈને ગઢડા - ભાદરવા સુદ ૧૧ના જળઝીલણીના સમૈયે મળ્યા, તરત તેઓ ધ્રાંગધ્રા આવી સ્વામીશ્રીની સેવામાં રહી ગયા. સ્વામીશ્રી કહે : તમે આવી ગયા તે બહુ સારું થયું. હવે તમે મારી પાસે જ રહેજો. હેતરુચિવાળા સંતહરિભક્તોને કાગળ લખીને સ્વામીશ્રીનાં દર્શને તેડાવ્યા. સ્વામીશ્રી તો એટલી જ વાત કહે : આપણે તો મહારાજ જ ! સૌના ઉપર કૃપાદૃષ્ટિ કરે. ભાદરવા વદ દસમે સ્વામીશ્રીએ દેહલીલા સંકેલી. (જન્મ સં. ૧૯૩૪)
શ્રીહરિની મૂર્તિના સુખે સુખિયા મુક્તો લીલા સંકેલતા ગયા, ને એ સુખના ભોગી બીજા મુક્તોને શ્રીજીનું આત્યંતિક કલ્યાણનું સદાવ્રત સતત ચાલુ રાખવાનું સોંપતા ગયા.