વડતાલ : ૧૮
અમારા સત્સંગીએ ઉધ્ધવ સંપ્રદાયની રીત જાણવી. ગુરુ પરંપરા જાણવી. ધર્મકુળના સ્થાપનની રીત જાણવી. પરોક્ષના દૃષ્ટાંતે કરીને કહ્યું છે કે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર જાણવાં. સત્સંગીના નિયમ જાણવા. ઇષ્ટદેવને જાણવા અને સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને મૂર્તિઓનું બહુપણું જાણવું. અમારું પરોક્ષ ને પ્રત્યક્ષરૂપ જાણવું. અમારાં જન્મ, કર્મ દિવ્ય જાણવાં. અમારા સંબંધને પામે તે સર્વ નિર્ગુણ થાય છે. અમારે વિષે પરમેશ્વરપણાની પ્રતીતિ લવરાવવાને અર્થે અમે ચતુર્ભુજાદિક તથા મચ્છ, કચ્છાદિક અનંતરૂપ દેખાડીએ છીએ તે રૂપને ભેદે કરીને ઉપાસનાના ભેદ કહેવા. સ્થાનકના ભેદે કરીને અનેક પ્રકારની લીલા કરી હોય તેણે કરીને દ્વિભુજ એવા જે અમે તે અમારા સ્વરૂપને વિષે ઉપાસનાના ભેદ કરવા નહિ. સાધુએ સાધુનાં લક્ષણ પ્રમાણે વર્તવું ને પોતપોતાના વર્ણાશ્રમના ધર્મમાં રહીને અમારી ભક્તિ કરવી. તમારા ઇષ્ટદેવ જે અમે તે અમારા આચરણ પ્રમાણે તમારે આચરણ ન કરવું. અમારી આજ્ઞા પ્રમાણે જ વર્તવું. (૨૧૮)