પત્ર : ૧૩૫
મુંબઈ જેવું શહેર અને ગમે તેવું ગામડું તે બંનેની સરખામણી કઈ રીતે થાય ? છતાં બંને જગ્યાએ સરખું લાગે એમ રહેવું જોઈએ. શ્રીજીમહારાજે પોતાના જીવનમાંથી આપણને આ બોધપાઠ શીખવાડ્યો છે. વડોદરામાં સયાજીરાવ મહારાજે શ્રીજીમહારાજની પધરામણી કરી ત્યારે બે ગાઉ સુધી રોશની કરાવી, વાજાં વગડાવ્યાં અને ભારે ધામધૂમ કરી હતી. શ્રીહરિએ એ વખતે પોતે હાથી ઉપર સવારી કરેલી. તે જ મહારાજ વઢવાણ તાબાના લીંબલી ગામમાં દાતણ વેચનાર સગરામ ભગત વાઘરી તેને ઘેર રાત રહ્યા, ઠંડી પડતી હતી પણ તેને ઘેર ઓઢવાનું કાંઈ નહિ તેથી તેના દીકરાની વહુની સાડી ઓઢી હતી. આ બંનેમાં કેટલો તફાવત હશે ? પણ વાઘરીના કુબામાં એટલા જ ઉમંગથી મહારાજ રાત રહ્યા હતા. આ આપણા માટે ઉદાહરણ છે. આવું વિચારીએ તો આનંદ થાય.