પંચાળા : ૨
યોગવાળા જીવ, ઈશ્વરને સમ કહે છે. અક્ષરધામને વિષે રહ્યું એવું જે ભગવાનનું સ્વરૂપ તથા પ્રકૃતિ પુરુષાદિક તથા મચ્છ, કચ્છાદિક અવતાર તે સર્વેને ધ્યાન કરવા યોગ્ય કહે છે ને એમાં અંશ અંશી ભાવ કલ્પે છે એ દોષ છે; અને પ્રત્યક્ષ ભગવાનના આશ્રયે કરીને મોક્ષ થાય એમ કહે છે, તેમણે જીવથી ઈશ્વરને ભિન્ન ને સર્વજ્ઞ સમજવા ને પ્રકૃતિ પુરુષથી લઈને બ્રહ્મા, વિષ્ણુ, શિવાદિક સર્વેને ભગવાનના ભક્ત સમજવા ને અંશ અંશી ભાવ ટાળવો. આત્યંતિક પ્રલયને વિષે અક્ષરધામમાં પુરુષોત્તમ ભગવાન રહે છે તે પૃથ્વીને વિષે પ્રગટ થાય તેમનું જ ધ્યાન કરવું. સાંખ્યવાળા પરમાત્માને પામનારા જીવ, ઈશ્વરને તત્ત્વથી ભિન્ન કહેતા નથી ને જીવને જ ધ્યાન કરવા યોગ્ય માને છે તે દોષ છે, તેમણે તત્ત્વથી જીવ, ઈશ્વરને ભિન્ન સમજવા ને પ્રકૃતિ પુરુષથી થયું તેને મિથ્યા કહેવું ને ભગવાનના અવતારને સત્ય જાણવા. આ યોગ તથા સાંખ્યવાળાએ જેને અક્ષરધામ શબ્દથી કહ્યું છે તેને મૂળપુરુષનું તેજ જાણવું અને જેને પુરુષોત્તમ શબ્દથી વર્ણન કર્યા છે તેને મૂળપુરુષ જાણવા અને નિર્ગુણ વાસુદેવ પણ એના તેજને જ કહે છે. પ્રધાનપુરુષને પ્રકૃતિપુરુષ શબ્દથી કહ્યા છે. તે યોગવાળા જેમ પ્રત્યક્ષને આશ્રયે કરીને મોક્ષ કહે છે તેમ અમારા ભક્તોએ પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને બ્રહ્માદિકથી લઈને મૂળઅક્ષર પર્યંત સર્વેથી પર જાણવા ને એ સર્વેને અમારા ભક્ત જાણવા. અમે અનિરુદ્ધ જે મૂળઅક્ષર અને પ્રદ્યુમ્ન જે વાસુદેવ બ્રહ્મ અને સંકર્ષણ જે મહાકાળ તેમને વિષે નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ તે દ્વારે પ્રવેશ કરીને તે તે રૂપે થઈએ છીએ તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરીએ છીએ તે સર્વેને સત્ય જાણવા અને પ્રકૃતિ પુરુષથી થયું તેને મિથ્યા માનવું. એ સર્વેથી પર નિર્ગુણ વાસુદેવ જે અમારા તેજરૂપ અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને યોગ માર્ગે કરીને અમારી ઉપાસના, ધ્યાન, ભક્તિ કરવાં પણ અમારા વિના બીજા કોઈનું કરવું નહિ. (૧૨૮)