વડતાલ : ૧૩

અમે જીવોનાં કલ્યાણ કરવા રાજારૂપે ને સાધુરૂપે પ્રગટ થઈએ છીએ, તે જ્યારે રાજારૂપે પ્રગટ થઈએ ત્યારે ૩૯ લક્ષણે યુક્ત હોઈએ અને સાધુરૂપે પ્રગટ થઈએ ત્યારે ૩૨ લક્ષણે યુક્ત હોઈએ. અમે મનુષ્યના જેવા દેખાઈએ છીએ પણ અલૌકિક મૂર્તિ છીએ. અમારું દર્શન શ્રદ્ધાએ સહિત કરે તેને સમાધિ થાય છે, જેમ શ્રી કૃષ્ણને દર્શને ગોકુળવાસીને થઈ તેમ, અમે જેમ ચમકમાં સહજ ચમત્કાર રહ્યો છે તેમ મનુષ્યરૂપે દેખાતા એવા જે અમે તે અમારે વિષે સહજ જ ચમત્કાર છે ને અમારે સન્મુખ કરાવીએ છીએ. બ્રહ્મ કહેતાં સર્વથી મોટા સાક્ષાત્‌ શ્રીકૃષ્ણ અમે તે અમે અમારા અક્ષરધામરૂપ એક દેશમાં મૂર્તિમાન રહ્યા થકા સર્વ ઠેકાણે દર્શન આપીએ છીએ. જેમ સૂર્યના ઉપાસકને સૂર્ય પોતાના સરખી દૃષ્ટિ આપે છે તેમ અમે અમારા આશ્રિતને અમારી સરખી દૃષ્ટિ આપીએ છીએ. અનંત બ્રહ્માંડમાં મૂર્તિમાન દર્શન આપીએ છીએ એમ વ્યાપક છીએ પણ અરૂપ થકા વ્યાપક નથી. (૨૧૩)