ગઢડા મધ્ય : ૩૩

અમારા ભક્તોએ અમારા વિના બીજે હેત ને સ્મૃતિ ન રાખવા. અમારા ભક્તનો અભાવ આવવા દેવો નહિ. વિષયનો ત્યાગ કરવો. નિષ્કામી વર્તમાન દૃઢ હોય તે જ અમને વહાલો છે ને અમે તેના જ ભેળા છીએ ને તેની જ સેવા ગમે છે. વર્તમાન દૃઢ ન હોય તેના ઉપર કુરાજી છીએ ને તેની સેવા ગમતી નથી. સત્સંગમાં કોઈ સ્ત્રી અથવા પુરુષને નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો નહિ, અર્થાત્‌ અમને સંભળાવ્યા વિના જ તેને સત્સંગ બહાર કાઢી મૂકજો એમ સૂચવ્યું છે. તે પ્ર. ૧૮માં કુપાત્રને સત્સંગ બહાર કાઢી મૂકવો એમ આજ્ઞા આપી છે. નિષ્કામી વર્તમાન દૃઢ કરવાના ઉપાય બતાવ્યા છે, જે અમારી કથા-કીર્તનાદિક ભક્તિએ કરીને મનને વશ કરવું. આહાર નિયમમાં કરીને પ્રાણને નિયમમાં કરવો અને નિયમમાં વર્તીને દેહને નિયમમાં કરવો. એ ત્રણે ઉપાય નિષ્કામ વર્તમાન દૃઢ થાય છે. સ્વભાવ ટાળવાનો અભ્યાસ રાખે તો તે નાશ થઈ જાય છે. (૧૬૬)