• દિવ્ય પમરાટ (ખુશ્બો) (વિભાગ - ૬)
એક પૂર્વના સંસ્કારી ગુજરાતી ભાઈ આફ્રિકા રહેતા હતા. ધર્મનાં પુસ્તકો વાંચી તેમને આસ્થા થઈ. તેમાં કચ્છી હરિભક્તો પાસેથી શ્રીજીમહારાજની તથા અબજીબાપાશ્રીની વાતો સાંભળી. પછી તેમને વચનામૃત વગેરે પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરતા અંતરમાં ખાતરી થઈ ગઈ કે સર્વોપરી ધર્મ તો શ્રી સ્વામિનારાયણનો જ છે. તેમને ભક્તિની ભારે લગની લાગી ગઈ. ભારત પાછા આવી મુંબઈ ઊતરી સીધા અમદાવાદ મંદિરમાં જઈ સાધુ દીક્ષા લેવા તૈયાર થયા. તેમના પિતાશ્રીને આ જાણ થઈ. તેઓ અમદાવાદ આવી પોતાના પુત્રને મળ્યા. મંદિરના ઓટલા ઉપર બેસી બાપ-દીકરો સાધું થવું - ન થવું -ની ચર્ચા કરતા હતા, પિતા રડતા હતા. તે વખતે સોમચંદભાઈ મંદિરમાં હતા. તેમણે જોયું, વિગત જાણી. હરિભક્ત ખરેખરા ખપવાળા છે તેમ જાણી લઈ તેમના દિવ્ય પ્રભાવથી સાધુ ન થવા સમજાવ્યા. ઘરનો ત્યાગ કરી સાધુનાં વસ્ત્ર ગ્રહણ કરવાથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ જતી નથી, વગેરે બોધ-વચનોે કહી ઘરે જવા સલાહ આપી અને કલ્યાણના કોલ દીધા. આ પછી સોમચંદભાઈ તે પૂર્વના વૈરાગ્યયુક્ત હરિભક્તને રાજી કરવા, તેમના ભાવથી અવારનવાર તેમના ગામ - તેમના ઘરે પધારતા ને તેમને ખૂબ રાજી કરતા. વળી ત્યાંના હરિભક્તોને પણ શ્રીજીમહારાજના મહિમાની વાતો કરી સુખિયા કરતા.
સોમચંદભાઈ હેતવાળા હરિભક્તોના ગામ પધારે ત્યારે અગાઉથી સમાચાર મોકલ્યા હોય તેથી સૌ સામા સ્ટેશને આવ્યા હોય. ગાડીએથી ઊતરી સામાનનું પોટલું બાજુએ મૂકી, સૌ હરિભક્તોને વારાફરતી મળે ને આશીર્વાદ આપે, રાજી થાય. ત્યારથી શ્રીજીપ્રતાપની વાતો થવા લાગે. નિત્યનવીન ને આનંદસભર વાતો સાંભળીને હરિભક્તો ધરાય જ નહિ. જેટલો વખત ગામમાં રહે તેટલો વખત દિવ્ય આનંદના મેઘ વરસે ! ગામમાંથી પાછા પધારે ત્યારે સૌ હરિભક્તો સ્ટેશને મૂકવા જાય, બધાનાં મુખ પડી ગયેલાં હોય, પણ સોમચંદભાઈ સૌને રમૂજ કરી પરાણે હસાવતા. છેવટે ગાડી આવે ત્યાં સુધી સતત શ્રીજીમહારાજ ને મુક્તોના મહિમાની વાતો થતી જ રહે. સોમચંદભાઈ ગાડીમાં બેસે ને ગાડી ઊપડે, તેમના મુખારવિંદ ને હાથને જોતાં હરિભક્તો પ્લૅટફોર્મ ઉપર ઊભા હોય. ગાડી આગળ નીકળી જાય એટલે સૌ ઘેર પાછા જતા, સોમચંદભાઈએ આપેલા આનંદને વાગોળતા વાગોળતા, જાણે સૂના થઈ ગયા હોય તેમ પાછા આવે.
એક વખત સોમચંદભાઈ અને ચતુરભાઈ સંઘ લઈને છપૈયા જતા હતા. હેતવાળા એક હરિભક્તને આવા મોટા મુક્તો તથા મોટા તીર્થનો લાભ લેવા સાથે જવાનું મન થયું. તેને સોમચંદભાઈ પરીક્ષા કરવા કહે : ‘‘અમે તો હળવદથી ગાડીએ બેસશું તે અમદાવાદ થઈને સીધા છપૈયા જઈશું ને છપૈયાથી સીધા હળવદ આવશું. તમારે જો બીજાં - પરોક્ષનાં તીર્થ કરવાની તાણ હોય તો અમારા સંઘમાં આવવા કરતાં બીજાની જોડે જવું !’’
સોમચંદભાઈની રમૂજ સાથે વાતો કરવાની શૈલી દરેકના આંતરિક ઊર્ધ્વીકરણ માટે અસરકારક બનતી. કોઈ બાઈ હરિભક્તો હાથથી અનાજ દળવા ઘંટીએ બેસે ત્યારે ‘ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વકારણના કારણ છે ને તે આપણા ઇષ્ટદેવ છે’, એમ સતત બોલાવરાવે ! ભૂલ પડે તો ટોકે ! તો કોઈ વાર બાઈ હરિભક્તોને ઘંટીએ દળવા બેસાડે ત્યારે તેમને રાજી કરવા સોમચંદભાઈ પોતે દૂર ત્યાં બેસી શ્રીજીમહારાજના માહાત્મ્ય - પ્રતાપની વાતો કરે અને કહે : ‘‘સર્વે ક્રિયા શ્રીજીમહારાજની મૂર્તિના અનુસંધાન સાથે જ કરવી.’’ કોઈ વાર બહારગામ જવાના હોય ત્યારે જે હરિભક્તને ત્યાં ઊતર્યા હોય તે હેતથી રાતના મોડે સુધી જાગી ભાથું બનાવે. સોમચંદભાઈ તેમનો ભાવ ચકાસવા ને રમૂજમાં, સૂતેલાં છોકરાંઓને તે વખતે ઉઠાડે, કીર્તન બોલાવે ને પૂછે : ‘ભૂખ લાગી છે ને ? ચાલો ત્યારે જમવા !’ બધું ભાથું એ બધાંને જમાડી દે !
કોઈ વાર કોઈ હરિભક્તને કહે : ‘ચાલો, ઉતાવળથી ગાડીએ જવું છે.’ સ્ટેશને જાય ને ગાડી ઊપડી ગઈ હોય, તો સ્ટેશનની બહાર ઝાડ નીચે જઈને બેસે, ને સોમચંદભાઈ કહે : ‘એ તો આ ઝાડ રાહ જોતું હતું, તેથી તેનું સારું થાય તે માટે અહીં આવ્યા છીએ. ઝાડ ભગવાનના ભક્તની રાહ જોતું હોય છે.’ એ રીતે ઝાડના જીવનું સારું થાય તેવો સંકલ્પ કરે.
કોઈ હરિભક્તના દીકરા કૉલેજમાં ભણતા હોય ને હૉસ્ટેલમાં રહેતા હોય તો સોમચંદભાઈ તે ગામ જાય ત્યારે તેમની રૂમ પર જઈ ખબર કાઢે, વાત્સલ્યથી રાજી કરે ને શ્રીજીમહારાજનું ભણતર સદૈવ ભણતા રહેવું તેવી ભલામણ કરે.
સોમચંદભાઈ કોઈ હરિભક્તના ઘરે રાતના અચાનક પધાર્યા. સાથે ચાર-પાંચ હરિભક્તો. સોમચંદભાઈ કહે : ‘આ બધાને કાંઈક જમાડો !’ હવે તે યજમાન હરિભક્તની આધ્યાત્મિક સ્થિતિ ઘણી ઊંચી, પણ આર્થિક સ્થિતિ તો સાવ દુર્બળ. ઘરનાં બહેને ઘરમાં ઘઉંનો લોટ નહિ હોવાથી હેતથી જારના લોટની સુખડી બનાવી, પણ તે બહેનને સોમચંદભાઈ માટે બહુ ભાવ હતો તેથી તે સુખડીમાં એવો તો મહારાજે સ્વાદ મૂક્યો કે તે હરિભક્તો બધી સુખડી જમી ગયા. સોમચંદભાઈ અવારનવાર યાદ કરે, પત્રમાં પણ લખે : ‘તમારે ત્યાં સુખડી જમવા આવવું છે !’ કોઈ વાર સોમચંદભાઈનાં બહેન જીવીબા ગળ્યાં વડાં કરીને ભાવથી જમાડે ત્યારે સોમચંદભાઈ સૌને રમૂજ કરીને કહે : ‘ગળ્યાં ઢેબરાં મારી મા મને ખવરાવતી, તેવા કેમ કોઈ નહિ ખવરાવતા હોય ?’
કોઈ વખત હરિભક્તોને વહેંચવા લાડવાનો પ્રસાદ કરાવે ત્યારે સોમચંદભાઈ દરેક બાબતની જેમ લાડવા વાળવામાં પણ ખૂબ ચીવટ રખાવે. કહે : ‘જો જો ! નાના-મોટા ન થાય, નહિતર છોકરા લઢશે કે તને નાનો મળ્યો ને મને મોટો મળ્યો !’ એમ કહી ઉમંગથી સેવા કરાવે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહામુક્તોમાં પરચા-ચમત્કારરૂપી ઐશ્વર્ય હોય તે તો સહજ વાત છે. બાળકને રમવા માટે રંગબેરંગી ચૂસણિયું આપે તેથી બાળક રમે, રાજી થાય, પણ જ્યારે તે ભૂખ્યું થાય ત્યારે તો દૂધની જરૂર પડે - તેમ પરચા-ચમત્કાર જીવને રંગબેરંગી લાગે, વિશ્વાસ - શ્રદ્ધા બેસાડવામાં શરૂઆતમાં કામ આવે, પણ આધ્યાત્મ માર્ગની ભૂખ જાગે ત્યારે તો મૂર્તિના સુખથી જ તૃપ્તિ થાય. એ રીતે સોમચંદભાઈ ક્યારેક અલૌકિકતાના ભાવમાં રાજીપો જણાવી કોઈ હરિભક્તની શ્રદ્ધાને પોષવા ચમત્કાર જણાવતા, પણ મહદ્ અંશે તો પ્રભાવ ઢાંકી રાખીને દીનદાસપણે રહેવાનું જ પસંદ કરતા, ને મૂર્તિના સુખરૂપી દૂધ જ પીરસતા !
એક વાર કચ્છમાં રામપુર ગંગાએ ગંગા-જમુનાના કુંડમાં સ્નાન કરતા હરિભક્તો ધ્યાન કરીને બેઠા હતા ત્યારે ચંદનમિશ્રિત પાણી પંદર મિનિટ સુધી આવ્યું, હરિભક્તો આશ્ચર્ય પામી રાજી થયા. કોઈ વાર કોઈ હરિભક્તને અંગસેવાનો સંકલ્પ જાણી લઈ રસ્તા વચ્ચે પગે વાનો સબાકો આવી ગયો એમ કહી બેસી ગયા, ને તે હરિભક્ત પાસે બાજુની દુકાનેથી તેલ મંગાવી પગે ચોળાવ્યું, અને તેમનો સંકલ્પ પૂરો કર્યો ! રામપુરા ગામના મંદિરની સેવા ખૂબ સારી રીતે કરતા પૂજારીની આંખે ખૂબ તકલીફ થઈ, દવાખાને દાખલ કરવા પડ્યા, ડૉક્ટરે હાથ ધોઈ નાખ્યા, આંખ જાય તેવી પરિસ્થિતિ થઈ ત્યારે મંદિરમાં સૌ હરિભક્તો પાસે ધૂન કરાવી, શ્રીહરિજીએ પ્રાર્થના કરી. પૂજારીને આંખે સારું થઈ ગયું. શંકરના ઉપાસક એક બ્રાહ્મણને શ્રીહરિપ્રતાપની વાતો કરી, તેથી તેમને રાત્રે સ્વપ્નમાં ગઢપુર, શ્રીહરિ તથા બાપાશ્રીનાં દિવ્ય દર્શન થયાં ને તેઓ શ્રીહરિજીના દૃઢ આશ્રિત થઈ અંતકાળે શ્રીહરિદર્શન કરી ધામમાં ગયા. કોઈ વાર ખેડૂત હરિભક્તોની પ્રાર્થનાથી વરસાદ કરાવતા, બંધ કરાવતા કે રમૂજમાં બીજા મુક્ત ઉપર પત્ર લખી, ‘આવો ત્યારે સાથે વરસાદ સાથે લેતા આવજો’ કહી તેમના આગમન સાથે વરસાદ કરાવતા ! ભૂતપ્રેત - વળગાડવાળાને પ્રસાદીના પાણીથી સારું કરી દેતા, ભૂતનો મોક્ષ કરી દેતા. તો કોઈ વાર માંદાને આશીર્વાદ-પ્રસાદી જમાડી સાજા કરી દેતા.
એક વાર એક હરિભક્તની કડક પરીક્ષામાંથી પસાર થવાનું બન્યું. હરિભક્તે સોમચંદભાઈને પોતાની સાથે દૂર દૂર વેરાન જંગલમાં લઈ જઈ ઝાડ નીચે બેસારીને કહ્યું કે, ‘તમારા શોળેબોળેના ધર્મને સાચવીને અહીં તમને કોઈ જમાડે તો ખરા જાણું !’ હંમેશની જેમ પોતાના હાથમાં માળા તો હતી, ટોપી ઉતારી આંખો બંધ કરી માળા ફેરવવા લાગ્યા. ત્યાં થોડી વારે પોપૈયાનો મોટો ગાંસડો બાંધી એક માણસ ત્યાં આવ્યો ને તેમને બંનેને આગ્રહ કરીને પપૈયાં જમાડ્યાં ! તે હરિભક્તનો દિવ્યભાવ દૃઢ થઈ ગયો.
હેતવાળા હરિભક્તના અંતરના સંકલ્પથી તેમના અંતકાળે પહોંચી જઈ સુખિયા કરતા; તો અનિવાર્યપણે જરૂરી હોય તો કોઈ હરિભક્તને ધામમાં તેડી જવા પધારેલા શ્રીહરિજીને પ્રાર્થના કરી રખાવતા પણ ખરા. કોઈ હરિભક્ત વહેલી પરોઢે અજાણ્યા ગામમાં પોતે ઊતરેલા હોય ને ઘર શોધવા ફાંફા મારતા હોય તે અંતર્યામીપણે જાણી જઈ બારણું ખોલી સામેથી બોલાવી લેતા ! તો ક્યારેક મંદિરમાં ઉત્સવ વખતે મંદિરની બહાર ઊભા રહી આનંદ માણતા મુમુક્ષુને અંતર્યામીપણે જાણી જઈ મંદિરમાં બોલાવી આનંદરસમાં લીન કરી, તેમનું અંતર ફેરવી નાખી ખરેખરા હરિભક્ત કરી દીધા.
કોઈ વખત ચોમાસામાં વરસાદ ખેંચાયો, ને લોકો ચિંતા કરતા હતા. સોમચંદભાઈ રામપુરામાં કોઈ હરિભક્તના ઘરે જવા માટે બજારમાં નીકળ્યા. ત્યાં કોઈ એક વાણિયા-વેપારી હતા. તેમણે તેમને ‘જય સ્વામિનારાયણ’ કહીને ઊભા રાખ્યા. પછી કહે : ‘તમે મોટા પુરુષ છો, તે આ સાલ વરસાદ નથી, તો વરસાદ કરો.’ સોમચંદભાઈ કહે : ‘એ તો ભગવાનના હાથની વાત છે.’ સાંજે ઉતારે આવીને સોમચંદભાઈ કહે : ‘વાણિયે વરસાદની માગણી કરી છે.’ પછી સ્વામિનારાયણ ભગવાનની ધૂન શરૂ કરાવી. ત્યાં તો થોડી વારમાં વરસાદ થવા માંડ્યો, ને ખૂબ સારો વરસાદ થયો.
એક વખત સોમચંદભાઈ એક હરિભક્ત સાથે સાયલા પધારેલા. ત્યાંથી સાંજે છ વાગ્યે રામપુરા આવવા નીકળ્યા. લગભગ દસ કિલોમીટરનું અંતર કાપતા મોડી રાત થઈ ગઈ, પણ તે હરિભક્તે અનુભવ્યું કે અંધારી રાત હોવા છતાં આખા રસ્તે મોંસૂઝણું હોય તેવો પ્રકાશ જણાયા કરતો હતો.
એક હરિભક્તને નાની ઉંમરમાં દમનો વ્યાધિ લાગુ પડેલો. ડૉક્ટરોએ પણ એ દર્દમાં કાંઈ સુધારો થવાની આશા છોડી દીધી તેટલો રોગ વધી ગયો હતો. સોમચંદભાઈ તેમના ઘરે પધાર્યા. બધાએ બહુ પ્રાર્થના-વિનંતી કરી. ક્ષણિક ઊંડા ઊતરી જઈ સોમચંદભાઈ કહે : ‘આ રોગ એમને પ્રારબ્ધનો છે, તેથી મેથી ઉકાળી નરણા કોઠે રોજ પીવરાવો. મટશે તો નહિ, પણ રાહત રહેશે.’ તે પ્રમાણે તે હરિભક્તને દર્દમાં રાહત રહેવા લાગી. તે છતાં જમવામાં જો જાળવે નહિ તો દમનો હુમલો થઈ આવતો. થોડા સમય બાદ, સોમચંદભાઈ ફરી તેમને ત્યાં પધાર્યા. કથા-વાર્તા કરીને કેળાંની પ્રસાદી સૌને દેવા લાગ્યા. આ માંદા હરિભક્તે તે પ્રસાદી લેવાની ના પાડી, કહ્યું કે કેળાં ખાવાથી દમ ઊપડે છે. સોમચંદભાઈને તે વખતે દયા ઊભરાઈ આવી. તેમના વાંસામાં ને માથે હાથ ફેરવી કહે : આજથી તારો રોગ ગયો. આ પ્રસાદી ખાઈ જા.’ ને રોગ ગયો. તે પછી વર્ષો વીતી ગયાં, રોગ ગયો તે ગયો !
કોઈ હરિભક્તની દીકરી રમતાં રમતાં બેરિંગનો છરો (લોખંડની નાની ગોળી) ગળી ગઈ. બધાં ગભરાયાં કે શું કરવું ? ને શું થશે ? સોમચંદભાઈ ત્યાં હાજર હતા. તે દિવસે ઘરમાં ઠાકોરજીના થાળમાં ફાડા લાપસી રાંધેલ, તેની પ્રસાદી હાથમાં લઈ સોમચંદભાઈ તે દીકરીને કહે : ‘બહેન ! જો તું આટલું ઓરમું જમી જા, તો છરો નીકળી જાય !’ દીકરી વિશ્વાસુ, તે જમી ગઈ, ને છરો પેટમાંથી નીકળી ગયો. વળી, કોઈ હરિભક્તને ત્યાં સોમચંદભાઈ પધારેલા ને ઘરમાં દીકરીને તાવ આવતો હતો. સોમચંદભાઈ રમૂજથી કહે : ‘બહેન ! જો આ કીર્તન તને ગવરાવું તે તું મોઢે શીખી જા તો તાવ ઊતરી જાય !’ એમ કહી :
‘આજ ધન્ય ઘડી,
અક્ષરના વાસી આવ્યા અલબેલો મારે આંગણે’
એ કીર્તન મોઢે કરાવી દીધું ને તાવ ઊતરી ગયો !
કોઈ હરિભક્ત વ્યવહારે અતિ દુર્બળ હતા, પણ શ્રીહરિજી પ્રત્યે નિષ્ઠા સારી, તેથી સોમચંદભાઈ તેમને ત્યાં અવારનવાર જાય ને કહે : ‘મૂંઝાવું નહિ, મહારાજને રાખવા એ મુખ્ય સિદ્ધાંત છે.’ એમ કહી તે હરિભક્તના ઘરની કોઠીઓ ઉપર હાથ ફરવે ને છાના આશીર્વાદ દે. હરિભક્તનો વ્યવહાર ખૂબ સુધર્યો ને બળિયા હરિભક્ત પણ બન્યા.
આવાં આવાં વિવિધ પાસાં હતાં સોમચંદભાઈના વ્યક્તિત્વનાં, તે છતાં તે વ્યક્તિત્વ જરાયે ભારેખમ ન લાગે. સદાય હસતા ને આનંદથી ઊભરાતા ! માતાના જેવું વાત્સલ્ય. રમૂજ પણ એવી જ કરાવે. સભામાં સામસામા વિભાગ પાડી શ્રીહરિનાં કીર્તનોની એક કડી એક વિભાગ ને બીજી કડી બીજો વિભાગ બોલે - ને કોણ થાકે છે ? કહી આનંદના ફુવારા ઉડાડે ! બાળકસમ નિખાલસતા ઝળહળે ! કોઈ દરજીએ ઝભ્ભા સીવવામાં લાંબી - ટૂંકી બાંયો કરી તે તેને બતાવવા ગયા, તો દરજી કહે : ‘ભગત થયા છો ને આ શું લાંબું-ટૂંકું ?!’ હાસ્યના ફુવારા વચ્ચે આ વાત સૌને કહે ને સમજાવે : ‘‘ભગતથી સરખાં કપડાં ય ન પહેરાય !’’ કેવું દિવ્ય જીવન !