ગઢડા પ્રથમ : ૭૧
અમારા ભક્તનો દ્રોહ કરે તે અપરાધને અમે માફ કરતા નથી. કોઈનું રૂડું દેખી ખમાય નહિ તે ઈર્ષ્યાનું રૂપ છે. જીવોના કલ્યાણને અર્થે અમે મર્ત્યલોકને વિષે દર્શન આપીએ છીએ ત્યારે અમારી દિવ્યમૂર્તિને મનુષ્યના જેવી દેખાડીએ છીએ, પણ મનુષ્યભાવ નથી, માટે મનુષ્યનાં જેવાં દેખાતાં એવાં ઇંદ્રિયાદિક તત્ત્વ તે દિવ્ય છે પણ ત્યાગભાગ નથી. માટે સર્વ ખલ્વિદ બ્રહ્મ એ જે શ્રુતિએ કહ્યું છે તે મનુષ્યરૂપે દેખાતું એવું જે અમારું સ્વરૂપ બ્રહ્મ છે એટલે દિવ્ય છે, એવો એ શ્રુતિનો અર્થ છે પણ સમગ્ર જગત બ્રહ્મ છે, એમ એ શ્રુતિનો અર્થ ન સમજવો ને અમારી મૂર્તિ વિના જે માયિક નામરૂપ છે તે નાશવંત છે, એમ || घटवत् सर्गादि विनश्यति || એ શ્રુતિનો અર્થ છે. અમને સદા સાકાર જાણીને ભક્તિ કરે તો કલ્યાણ થાય છે. જીવના કલ્યાણને અર્થે અમે મૂર્તિ ધારીએ છીએ ત્યારે અમારું અક્ષરધામ ને દિવ્યમૂર્તિ એવા મુક્ત અને અમારાં સર્વે ઐશ્વર્ય તે સર્વે અમારી આ મૂર્તિના ભેળાં જ હોય છે, એમ સમજવું. આંહીં જે ભક્તજન માયિક પદાર્થ કરીને અમારી તથા અમારા સંતની એટલે મુક્તની સેવા કરે છે તેને અમારી મૂર્તિનું દિવ્ય સુખ આપીએ છીએ.