ગઢડા પ્રથમ : ૬૫
તમોગુણનું કાર્ય જે આકાશ તેની ઉત્પત્તિ ને લય કહ્યો છે પણ સર્વાધાર આકાશનો લય નથી કહ્યો. પિંડની ને બ્રહ્માંડની એકતા કહી છે ને સુષુમ્ણા નાડીનું અંત બ્રહ્મરંધ્ર કહ્યું છે તે બ્રહ્મરંધ્રને પામે ત્યારે મૂળપુરુષના તેજને દેખે છે, સ્નેહે કરીને અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ જાગ્રતનો લય થાય છે. મને કરીને ચિંતવન કરતાં કરતાં સ્વપ્નને વિષે અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે. ઉપશમપણે કરીને અમારી મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં સુષુપ્તિને વિષે અમારી મૂર્તિમાં લય થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે. જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થાનું ફળ તેને જીવ પોતાની ઇચ્છાથી અથવા કર્મે કરીને ભોગવી શકતો નથી; અમે ભોગવાવીએ તે અવસ્થાના ફળને ભોગવી શકે છે.