ગઢડા છેલ્લું : ૧૪
જેને સ્ત્રી સંબંધી મલિન વાસના હોય તેને અમારે વિષે પ્રીતિ ન થાય. અતિશય ભૂંડા દેશકાળાદિકને યોગે ભૂંડા કર્મનો પાશ લાગ્યો હોય તે સાર અસારને જાણે તો પણ અમારે વિષે પ્રીતિ ન થાય. અતિશય પવિત્ર દેશાદિક ને અતિશય સુકૃત કર્મ થાય તો એ પાપકર્મનો નાશ થઈ જાય. આસુરીને ઝાઝી બુદ્ધિ હોય તો પણ તે વિમુખ થાય ને દૈવીને થોડી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ થાય નહિ. દૈવીના દોષ સારા દેશાદિકને યોગે નાશ થાય ને આસુરીના ન થાય ને એનું ગમતું મરડીએ તો દ્રોહ કરે. આસુરી જીવનું ગમતું રાખીએ એવામાં દેહ પડી જાય તો પરમપદને પામે. નવધામાં જે ભક્તિએ અમારે વિષે સ્નેહ થાય તે ભક્તિ તેને શ્રેષ્ઠ છે. બાળ તથા યૌવન અવસ્થાવાળાએ, વયોવૃદ્ધએ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને અમારે વિષે દૃઢ પ્રીતિવાન હોય, એવા પુરુષનો સંગ કરવો. હેતે કરીને અમારે વિષે મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે. પ્રથમ અમારે વિષે હેત થાય તો વૈરાગ્ય ને વિવેક આવે. વિશ્વાસી શ્રેષ્ઠ છે. મંદવાડમાં ચાકરી ન થઈ હોય ને વગર વાંકે અમે ને સંત અપમાન કરીએ તો પણ અવગુણ ન લે અને નિયમમાં લેશમાત્ર ફેર પડે તો તત્કાળ પ્રાયશ્ચિત કરે ને ખોટો ઘાટ થાય તો વર્તમાનમાં ફેર પડ્યા જેટલો ત્રાસ પામે ત્યારે તેનો અમને ને સંતને વિશ્વાસ આવે. દેહે કરીને સર્વને પગે લાગે ને માંદાની સેવા કરે ને વહાલી વસ્તુ સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે તેના અંતરમાં અમારું ને સંતનું માહાત્મ્ય રહે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અતિ તીવ્ર વર્તતાં હોય એવા અતિશય મોટાને વ્યવહારિક દૃષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. (૨૪૮)