ગઢડા મધ્ય : ૪૫
તમે સર્વે અમારા કહેવાઓ છો માટે તમારે વિષે કાંઈ કસર રહેવા દેવી નથી. તમે પણ અમારી આજ્ઞામાં તત્પર રહેજો ને જો ગાફલાઈ રાખશો એટલે દેહરૂપે વર્તશો તો અમારી આજ્ઞા પાળી શકાશે નહિ તથા અમારા સંત હરિભક્તના સમુદાયમાં રહી શકાશે નહિ. અમારે તો આત્મારૂપ થઈને અમારી ભક્તિ કરો એવા સર્વેને કરવા છે ને જો તેમાં કસર રહેશે તો બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જવું પડશે માટે સાવધાન એટલે આત્મસત્તારૂપે રહેજો. રાજસ, તામસ ને સાત્ત્વિક કર્મે કરીને સ્વર્ગ, મર્ત્ય ને પાતાળને પામે છે. દેશકાળાદિકને યોગે કરીને રાજસ કર્મના અનંત પ્રકારના ભેદ થાય છે. અમે તથા અમારા સંત કુરાજી થાઈએ એવું કર્મ કરે તો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કરેલું હોય તે નાશ પામે અને મર્ત્ય લોકમાં દેહે કરીને યમપુરીના જેવું દુઃખ ભોગવે અને અમે તથા સંત રાજી થાઈએ એવું કર્મ કરે તો આ દેહે પણ અમારા ધામના જેવું સુખ ભોગવે ને નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તે નાશ પામે ને અમારા અક્ષરધામને પામે. સૂર્યચંદ્રાદિક જે જે સુખિયા છે તે અમને ને અમારા સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે સુખિયા છે. (૧૭૮)