ગઢડા પ્રથમ : ૭૮

કર્મનું બળ રાખવું નહીં ને રૂડા દેશાદિક સેવવા. અમારા પ્રાકૃત ચરિત્રને કલ્યાણકારી જાણે તેને પરિપક્વ નિશ્ચય છે. એવા નિશ્ચયવાળાને અમારે વિષે ને અમારા મુક્તને વિષે દોષ બુદ્ધિ ન આવે. પૂર્વનો બળિષ્ટ સંસ્કાર અથવા ભય, કામ ને સ્નેહ અખંડ હોય તેને અમારી મૂર્તિ ત્રણે અવસ્થામાં દેખાય છે. સત્સંગનો પક્ષ હોય તેનો અચળ પાયો છે. એવા પક્ષવાળાના કામાદિક શત્રુ નાશ પામે છે. જેને સત્સંગીને વિષે ને કુસંગીને વિષે સમભાવ હોય તે વિમુખ છે. જેને સત્સંગનો પક્ષ હોય તેનો અમને ને સંતને ભરૂસો આવે છે ને તેના ઉપર હેત રહે છે. ઇન્દ્રિયો, અંતઃકરણને અગોચર અને અક્ષરધામથી પર એવા અમોએ દયા કરીને દર્શન આપ્યાં છે. પોતાના રાજીપાનો ઉપાય બતાવ્યો છે. અમે ને અમારા મુક્ત જેવા અક્ષરધામમાં દિવ્ય છીએ તેવા જ દિવ્ય જાણે અને જ્યાં અમે ને અમારા મુક્ત વિરાજતા હોઈએ તે સ્થાનને અક્ષરધામ જાણે તો આઠે પહોર આશ્ચર્ય ને આનંદ રહે છે. અમારા મુક્તને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને સમાગમ કરે તો એમાં સંતનાં લક્ષણ આવે છે. નિર્વિકલ્પ સમાધિ ન થતી હોય તેણે કથા-કીર્તન કરવાં. પંચવર્તમાન સંપૂર્ણ રાખે તેના ઉપર અમે ને અમારા મુક્ત પ્રસન્ન થઈએ. કામાદિક શત્રુનું બળ ઘટવાનો અને કલ્યાણને માર્ગે ચાલ્યાની સામર્થ્ય વધવાનો ઉપાય બતાવ્યો છે. અમને અક્ષરધામથી પર સર્વના કર્તા, નિયંતા ને મૂળ અક્ષરાદિક સર્વેને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એવો અમારો મહિમા જાણે અને અમને અણુ અણુ પ્રત્યે સર્વત્ર જાણે તો અમારી મર્યાદા રહે છે. અમારાં પ્રાકૃત ચરિત્રમાં સંશય કરવો નહિ. અમે રામકૃષ્ણાદિક અવતારોમાં અમારું ઐશ્વર્ય મૂકીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે, એવા જે અમે તે અમારા આ સંત છે એમ જાણે તો અમારા સંતનો મહિમા અતિશય જણાય છે. જીવનું અન્વય ને વ્યતિરેકપણું કહ્યું છે. અસદવાસના થવાનો ને વિમુખ થવાનો હેતુ કહ્યો છે. મોક્ષનો ઉપાય બતાવ્યો છે. મારકૂટ થાતી હોય, નિરાકારવાદી ને કર્મવાદી, શક્તિપંથી, કુંડાપંથી તેમનો યોગ થતો હોય ત્યાંથી ભાગી છૂટવું. અમારું માહાત્મ્ય યથાર્ણ જાણે નહિ તેને અસદવાસના રહે છે. યથાર્થ માહાત્મ્ય જાણે તો અમારે વિષે ને મુક્તને વિષે ને અમારાં કથા-કીર્તનને વિષે અચળ હેત થાય છે. અમને સર્વ અવતારોના કારણ જાણે તો અમારી નવધા ભક્તિ અચળ રહે છે. કામ, ક્રોધ, લોભ એ ત્રણ નરકનાં દ્વાર છે અને આત્માનંદ સ્વામી આદિક ચાર સદગુરુઓ મોટેરા છે.