પત્ર : ૧૨૫

મહારાજ તથા મોટા મુક્તને આપણું બીજું કાંઈ જોઈતું નથી, તે તો ભાવના ભૂખ્યા છે. સત્સંગમાં ઘણા હરિભક્તોમાં તથા બાઈઓમાં શ્રીજીમહારાજ તથા મોટાને વિષે હેત તે સુખિયા જણાય છે, તેમને દેહ છતાં આનંદ, અને ધામમાં જાય તો ય આનંદ વર્તે છે. જીવને ને ભગવાનને ભેળું થાય તેવું નથી, તો પણ મહારાજે દયા કરી આ લોકમાં મનુષ્યરૂપે દર્શન આપ્યાં, અનેક સંતો ધામમાંથી લાવ્યા અને દિવ્ય ચરિત્રો કરી જીવોને મૂર્તિ સન્મુખ ખેંચ્યા, મહિમા જણાવ્યો, સંતોએ શાસ્ત્રો લખ્યાં, એટલે અક્ષરધામની વાતોની આ લોકમાં અનેક જીવોને ખબર પડી. કેટલાયને સમાધિઓ કરાવી, ધામમાં લઈ જતા ને લાવતા. મહારાજ ધામમાં પધાર્યા પછી બાપાશ્રી પ્રગટ થયા, તેમણે પણ ઘણાં દિવ્ય ચરિત્રો કર્યાં, પછી મોટા મોટા જગન કરી સુખડી-શીરા જમાડી, જમનારને તથા દર્શન - સેવા કરનારને મૂર્તિમાં રાખવાનાં વરદાન આપ્યાં. આવા જોગમાં આપણે આવી ગયા તેથી અ. મુ. મનસુખબાપા, ચતુરબાપા જેવા ઓળખાણા, દિવ્યભાવે સેવાઓ થઈ એ આપણાં મોટાં ભાગ્ય. આ વાત બહુ મોટી છે. અક્ષરધામમાં ને મૂર્તિના સુખમાં સાધનથી ન જવાય. એ વાતમાં તો મહારાજ, બાપાશ્રી કે અ. મુ. ભૂરાબાપા, મનસુખબાપા, ચતુરબાપા જેવાનું કામ પડે, કારણ કે એ ભોમિયા.