કારિયાણી : ૭
દેહના સંબંધીની મમતા ન રાખે અને અમારે વિષે દૃઢ પ્રીતિ કરે અને અમારા સંતનો સમાગમ રાખે તો ગૃહસ્થને અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે. જે નિર્બળ ભક્ત હોય તેમણે સાક્ષાત્ ભગવાન જે અમે તે અમારા આશરાનું બળ રાખવું. ચટકીનો વૈરાગ્ય ટળી જાય તો ખુવાર થાય છે અને એ વૈરાગ્ય દૃઢ રહે તો પરમપદને પામે છે. આત્યંતિક પ્રલયને વિષે અમે અમારા ચિદ્ઘન તેજમાં સદા દિવ્ય મૂર્તિમાન વિરાજમાન છીએ. જીવોના કલ્યાણને અર્થે અમે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરીએ છીએ. તે અવતારોને મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત કહે છે અને અમે આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે મનુષ્યરૂપે વિચરીએ છીએ તે અમને પણ મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત સમજે છે પણ અમે ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છીએ એમ કહીને પછી વેદાંતના દૃષ્ટાંતપૂર્વક પોતાનું દિવ્ય નિર્ગુણપણું ને સાકારપણું કહ્યું છે, જે અમે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય સર્વ કાળને વિષે એકરૂપે સદા વિરાજમાન છીએ, એવી રીતે પ્રત્યક્ષ જે અમે તે અમારે વિષે દૃઢ નિષ્ઠા, એટલે સાક્ષાત્કાર સ્થિતિ એ જ આત્યંતિક કલ્યાણ છે. એવી નિષ્ઠાને પામીને સ્થાવર જંગમમાં જ્યાં જ્યાં જુઓ ત્યાં અમારી મૂર્તિને જ દેખે તે સિદ્ધદશાનું લક્ષણ છે. (૧૦૩)