વડતાલ : ૧૨
અતિશય પ્રકાશમાન એવું જે અમારા તેજરૂપ અક્ષરધામ તેને વિષે અમે સદા દિવ્ય સાકાર મૂર્તિ વિરાજમાન છીએ. જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થયા છીએ, તે અમારા સંતના સમાગમે કરીને અમારો મહિમાએ સહિત નિશ્ચય થાય, તે જીવ પૂર્ણમાસીના ચંદ્ર જેવો એટલે સર્વ અંગે સંપન્ન થાય છે ને નિર્ભય થાય છે. તેને પણ જો અમારા ચરિત્રમાં અભાવ આવે તો અમાવસ્યાના ચંદ્ર જેવો એટલે એના ધર્મ, જ્ઞાનાદિક ગુણ નાશ પામીને નિસ્તેજ થઈ જાય છે. જેને અમારો નિશ્ચય યથાર્થ ન હોય તેને પોતાના કલ્યાણનો ભરૂંસો આવતો નથી. જેને અમારો યથાર્થ મહિમાએ સહિત નિશ્ચય હોય તેને છતી દેહે કલ્યાણ મનાઈ જાય છે અને પોતાનું દર્શન કરનારનું ને વાત સાંભળનારનું પણ કલ્યાણ થઈ ગયું એમ માને છે. અમારા સંબંધને પામે તે વૃક્ષ પણ પરમપદ જે અક્ષરધામ તેનું અધિકારી છે, એવો મહિમાએ સહિત અમારો નિશ્ચય જેને ન હોય તેના મુખ થકી કથા સાંભળનારાનું કલ્યાણ ન થાય ને મૂળગું ભૂંડું થાય છે. (૨૧૨)