ગઢડા પ્રથમ : ૭૩

વીર્ય કામનું રૂપ છે. વીર્ય સૂક્ષ્મ દેહ ભેળું રહે છે. સ્ત્રીના સંકલ્પથી વીર્યપાત થાય તે કાચો બ્રહ્મચારી છે અને સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું યત્ન કરવું. દેહ ઇંદ્રિયોથી પોતાને જુદો સમજીને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ક્રિયા કરે તેમાં પોતાને અકર્તા સમજે ને હર્ષ, શોક પામે નહિ એ સાંખ્યવાળાનું લક્ષણ છે. સ્ત્રીનો સંગ કરે તો પણ ઊર્ધ્વરેતા રહે તે તથા અમારે વિષે પોતાના આત્માની એકતા કરીને પોતાને મુખે અમને જમાડી દે તે યોગવાળાનું લક્ષણ છે. અમારી ઉપાસનાથી તથા નિર્વાસનીકપણાથી દૃઢ નિષ્કામી થવાય છે. આત્મનિષ્ઠા, અમારું ધ્યાન ને યથાર્થ જ્ઞાને સહિત વૈરાગ્ય એ વાસના જીત્યાનો ઉપાય છે. મોટા પુરુષને વિષે નિર્દોષ બુદ્ધિ રાખે તે દોષે રહિત થાય છે ને દોષ પરઠે તે ભ્રષ્ટ થાય છે. આત્મનિષ્ઠા ને અમારી મૂર્તિનો મહિમા સમજે તેને વાસના રહેતી નથી. વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે એવી બળવાન છે. સમાધિમાં બ્રહ્મના પ્રકાશમાં અધિકપણું માને તો અમારી ઉપાસનાનો ભંગ થાય છે માટે આ મૂર્તિનો દૃઢ નિશ્ચય કરવો. અમારે વિષે અધિક પ્રીતિ થવાનું કારણ તે અમારી વાર્તા તથા દર્શન વિના રહેવાય નહિ તે છે. મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય તેનાં લક્ષણ કહ્યાં છે.