જેતલપુર : ૧
મુમુક્ષુ પોતાના મોક્ષને અર્થે શુભ કર્મ કરે તો પણ એણે સાંખ્યજ્ઞાન સિદ્ધ કર્યું નથી ને માયાને મિથ્યા જાણી નથી ત્યાં સુધી એની દેહાત્મ બુદ્ધિ ટળે નહિ ને ઉપાસ્ય મૂર્તિને પણ યથાર્થ દિવ્ય જાણી શકે નહિ તેથી તે શુભ કર્મે કરીને પ્રધાન માયા સુધી પહોંચે પણ તે પ્રધાન માયારૂપ સુષુપ્તિને ઓળંગી શકે નહિ. તો સામ્યાવસ્થારૂપ મૂળ માયા તે તો ઓળંગાય જ કેમ ? એ તો સર્વ કર્મ ને માયા તેના નાશ કરનારા અને માયાથી પર સાક્ષાત્ શ્રી પુરુષોત્તમ ભગવાન જે અમે તે અમારી અથવા અમને મળેલા અમારા સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય ત્યારે માયા ઓળંગાય છે. જીવને ઘણા માણસો માને અથવા કોઈ મોટપ પામે ત્યારે તેને અહંકાર આવે છે. સવળા વિચારવાળો એણે કરીને મોટપ ન માને એ તો આત્મા વડે ને અમારા સંતના સમાગમ વડે કરીને મોટપ માને. અમને મળેલા સંતને તો અમારી ઉપાસના ને આત્મનિષ્ઠા તેણે કરીને મોટપ છે. એવા અમને મળેલા સંતને વિષે આપોપું કરવું, તો ગાલવ રાજાની પેઠે આવરણ ભેદાવે. (૨૩૦)