લોયા : ૧૦

અસાધારણ ને સાધારણ હેત થયાના ભેદ કર્મે કરીને કહ્યા છે. ત્રણ પ્રકારના વેગમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોટે તેવું કર્મ લાગે છે અને કર્મે કરીને સ્નેહમાં ત્રણ પ્રકાર કહ્યા છે. ઇંદ્રિયો, મન ને જીવ ભળવાથી મંદ, મધ્યમ ને તીવ્ર વેગ થાય છે. તે તીવ્ર વેગ ત્રણે ગુણવાળાને લાગે છે. તીવ્ર વેગવાળાને રૂડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો અમારે વિષે સ્નેહ થાય છે અને ભૂંડા દેશાદિકનો યોગ થાય તો અમારા વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. વિષમ દેશકાળમાં ન રહેવું. હૃદયમાં કળિ વર્તતો હોય ત્યારે અમારી મૂર્તિને બહાર ધારવી. મંદ, મધ્યમ ને તીવ્ર વેગ જાણવાના ઉપાય બતાવ્યા છે. સ્ત્રીને કલ્યાણના માર્ગમાં વિરોધી ને દુઃખદાયી જાણે તેને વિકાર ન થાય અને બીજું પોતાને આત્મારૂપ માને અને સર્વાત્મા એવા જે બ્રહ્મ તથા અક્ષર તથા મુક્તો એ સર્વેના આત્મા એવા પરબ્રહ્મ પરમાત્મા જે અમે તે અમારો મહિમા જાણે તેને સર્વ પદાર્થ તુચ્છ થઈ જાય, તે તથા વિશ્વાસી તે સુખિયા છે. તે વિના સર્વે દુખિયા છે. અમારા ખરા ભક્તને માયા પરમ સુખદાયી છે. અમારો અતિશય દૃઢ આશરો હોય તેને અંતઃકરણ રૂપ માયા દુઃખ દેવા સમર્થ નથી ને એવા આશરામાં ફેર હોય તેને દુઃખ છે. (૧૧૮)