પત્ર : ૨૬
આપણે શ્રીજીમહારાજની મૂર્તિનો આનંદ રાખવો. ભગવાનનું બળ મોટા ભયથી રક્ષા કરે છે. એક હરિભક્તને બહુ ભીડ હતી, તેનો વ્યવહાર અટકી પડે તેવું હતું અને બીજો માર્ગ સૂઝતો ન હતો, ત્યારે તે હરિભક્તે સદગુરુ વૃંદાવનદાસજી સ્વામી તથા સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી પાસે પ્રાર્થના કરી કે સ્વામી ! હવે તમે રાજી થઈને મદદમાં ભળો તો ઠીક, નહિ તો દ્વેષી માણસોને કહેવાનું થશે. ત્યારે સ્વામી ‘ભક્તિચિંતામણિ’ની એક કડી બોલ્યા :
‘‘શું થાશે બિચારા શ્વાનથી, છે પ્રભુ અમારી કોર.’’
બાવાઓ અને અજ્ઞાની જનો સંતોને દુઃખ દેતા ત્યારે રક્ષા માટે આ કડી બોલાયેલી છે. આ બે લીટી સ્વામી ફક્ત બોલ્યા એટલામાં તો એવી રક્ષા થઈ કે તેમને જે જે અડચણો હતી તે બધી દૂર થઈ ગઈ. આ રીતે મહારાજ આપણી રક્ષામાં છે. હાથ-ડોકની રક્ષા કરે છે, પાંપણ-આંખની રક્ષા કરે છે, માબાપ બાળકની રક્ષામાં રહે છે, તેમ શ્રીજીમહારાજનાં આશ્રિતને એ દયાના સાગર ક્ષણે ક્ષણે રક્ષા કરે છે. પરચા પ્રકરણ બધાં રક્ષાનાં જ છે. અક્ષરધામમાંથી મહારાજ ને મહારાજના મહામુક્તો ભક્તના મનોરથ પૂરા કરવા, તેમને લાડ લડાવવા ને તેમનું રક્ષણ કરવા નરતનુ ધરે છે. એવા શ્રીહરિ સહજાનંદ સ્વામી ભગવાનની મૂર્તિ જેવું બીજું કાંઈ જ નથી. તેથી એ મૂર્તિ આગળ રાખી જે કાંઈ કરીએ તેમાં એ સાથે રહે છે.