પત્ર : ૧૯૮

સૌને શ્રીહરિને રાજી કરવાનું તાન છે, પણ મોટા મુક્તોની કૃપામાં જે જે આવી જાય છે તેને બહુ લાભ મળે છે. આવું આપણાં દરેક શાસ્ત્રોમાં વર્ણન આવે છે. આપણે તો કારણમૂર્તિ શ્રીજીમહારાજ સામી નજર રાખવી. મહારાજ આપણા આધાર છે, આપણા આત્માને દિવ્ય સાકાર કરી આપણને મૂર્તિ ભેળા જ રાખ્યા છે. અનેક મહામુક્તો એ રીતે મૂર્તિના સુખે સુખિયા રહે છે. એમને એક મૂર્તિ જ હોય છે. આ સમયે શ્રીજીમહારાજ પોતાના આશ્રિત પર અઢળક ઢળ્યા છે. એટલે સૌને દિવ્ય સાકાર કરી મૂર્તિનું સુખ આપે છે. આપણે તો શેરડી વાંસે એરંડી પણ પાણી પીવે એવું છે. પ્રથમના મુક્તોના ચરિત્ર-પ્રતાપ વિચારીએ છીએ ત્યારે આપણે તેમની આગળ કાંઈ લેખામાં જ નથી. એમનાં ચરિત્રો તથા સત્તા-સામર્થ્યનો નિર્ણય કોઈથી થાય નહિ. એવા શ્રીહરિના લાડીલા મુક્તો મળ્યા, જેથી શ્રીજીમહારાજનો દિવ્યભાવ આપણને સમજાણો. સત્સંગમાં ઘણા જૂના સંત-હરિભક્તો છે, પણ મોટાના જોગ વિના જેવો છે તેવો શ્રીહરિનો મહિમા જાણી શકતા નથી. મહિમા શું ? તો શ્રીજીમહારાજ એક જ સર્વ અવતારના અવતારી ને કારણના કારણ છે. એમના મહિમાનો કોઈ પાર પામી શકતા નથી. એવા સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાને આપણો હાથ ઝાલ્યો છે, ખોટનાં ખાતાં વાળી નાખ્યાં છે. આ બ્રહ્માંડમાં શ્રીહરિએ ભક્તિમાતાને સુખ દેવા દર્શન આપ્યાં, તેમાં અસંખ્ય જીવનો આત્યંતિક મોક્ષ થયો. આપણને પણ છેલ્લી પ્રાપ્તિ ને છેલ્લો મોક્ષ મળ્યો છે. બાપાશ્રી કહે છે કે, ‘‘કોઈ મૂર્તિ લ્યો ! કોઈ મૂર્તિ લ્યો ! અમારે ઘેર મૂર્તિનો વેપાર છે.’’ આવા મૂર્તિના આપનારા આવ્યા હોય એવા જોગમાં આપણું કામ થઈ ગયું. અનંત કોટિ બ્રહ્માંડના કારણ શ્રીજીમહારાજ તેમની પાસે અલ્પ જેવા જીવ શું લેખામાં ! તો ય કૃપા કરી જીવો પર અમૃત નજર કરે છે, એટલે જીવો કૃતાર્થ ને પૂર્ણકામ બને છે. અનંતને પરચા-ચમત્કારથી સુખિયા કર્યા. અનેકને દેહને અંતે અનંત દિવ્ય સામગ્રી ને દિવ્ય સભા લઈ તેડવા પધાર્યા. અનેક જ્ઞાનવાર્તાઓ કરી પોતાના દિવ્ય સ્વરૂપનું ભાન કરાવી પૂર્ણકામ કર્યા, તાર્યા, ઉદ્ધાર્યા, એમ ન્યાલ કર્યા. અનેક દિવ્ય શાસ્ત્રો રચ્યાં. અનેક મંદિરો કરી પોતાનાં સ્વરૂપો પધરાવ્યાં. વળી, એ મૂર્તિનો સાક્ષાત્કાર કરાવવા, ધામની મૂર્તિ તથા પોતાની મનુષ્યરૂપ મૂર્તિ તથા પોતાની પ્રતિમા એ ત્રણેમાં એક રોમનો ફેર નથી એવી એકતા સમજાવી. મૂર્તિનો સાક્ષાત્કાર થવા તથા દિવ્યભાવે મહિમા સમજાવવા મહામુક્તો પાસે કીર્તનો કરાવ્યાં. આ બધું કરવામાં સર્વોપરી શ્રીહરિ સ્વામિનારાયણ ભગવાન એક જ કર્તા છે. એ જ કારણ ને સૌના સુખદાતા છે તેથી એમના જેવા બીજા કોઈ ન કહેવાય એટલે મોટામુક્ત મહારાજને અજોડ કહે છે. મોટા મુક્તના જોગ સમાગમથી આવો મહિમા સમજાય છે, કેમ કે એ અનુભવથી કહે છે. મહારાજે કહ્યું છે કે અમારા ધામમાં જેવી દિવ્યસભા છે તે તુલ્ય કોઈ ધામમાં સભા નથી, આ તો પુરુષોત્તમ ભગવાનની સભા છે. આ સભા અલૌકિક દિવ્ય છે આવું જ્ઞાન સમજાય તો સદાય આનંદ વર્તે. બાપાશ્રી કહે કે આપણે તો મહારાજ, મુક્ત, સંત-હરિભક્તો સર્વેને દિવ્ય જાણવા તો દિવ્ય થવાય :

‘‘મારી મૂર્તિ રે, મારા લોક, ભોગ ને મુક્ત;

સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત.’’

શ્રીહરિ સદાય દિવ્ય તેજોમય ધામમાં અનંત મુક્તમંડળની સભામાં દર્શન દે છે. એ જ મહાપ્રભુ અહીં મૂર્તિરૂપે (પ્રતિમા સ્વરૂપે) દેખાય છે. શ્રીજીમહારાજમાં ત્યાગ-ભાગ નથી. અનંત મહામુક્તો એ મૂર્તિના દિવ્યસુખનું પાન કરે છે. બાપાશ્રી કહે છે કે આપણે પણ એ દિવ્યસુખનાં પારણાં કરવાં. એ દિવ્ય અમૃતનું પાન કરવું, અને આનંદના સમુદ્રમાં ઝીલવું. આવાં વચનોનો વિચાર કરતાંય સુખ, સુખ ને શાંતિ થઈ જાય તો મૂર્તિ આકારે રહેવામાં કેટલું સુખ થતું હશે ? મોટા મુક્તોના અભિપ્રાયમાં તો મૂર્તિ વિના કોઈની સારપ જણાતી નથી. એમને તો એ કારણ મૂર્તિનો જ આધાર હોય તેવું તેમના લખાણ પરથી સમજાય છે. આવું વિચારી શ્રીહરિની અલૌકિક દિવ્ય મૂર્તિનું જ પ્રધાનપણું રાખવાની તાણ રાખવી. ક્યાં ભગવાન ! ને ક્યાં જીવ ! એ ન બનવાની વાત બની ગઈ છે, તેથી આપણા ધન્ય ભાગ્ય છે. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો ને અનેક જન્મનાં કર્મ બાળ્યાં, પોતાની દિવ્યમૂર્તિ આપી, નિર્ભય કર્યા :

‘‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ,

આજ ધર્મવંશીને દ્વાર;

આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ,

વા’લો તરત ઉતારે ભવપાર.’’

આવું એમનું બિરદ છે. જેથી આપણે કહીએ છીએ કે હે શ્રીજીમહારાજ ! હે ન્યાલકરણ ! આપને પ્રતાપે અમોને આનંદ આનંદ વર્તે છે. વધુ શું કહીએ !