લોયા : ૬

એકાંતિકપણું આવે તે દુર્લભમાં દુર્લભ સાધન છે. નિષ્કામપણું હોય તો સર્વે ધર્મ રહે છે અને નિશ્ચય રહે તો ભક્તિ આદિ સર્વે સાધન રહે છે. અમારા નિશ્ચયરૂપી મતિ ફરવા દે નહિ તો રૂડું થાય. તુચ્છ સ્વભાવની આંટી સંતને વચને કરીને મૂકી દેવી. અમારો નિશ્ચય ને ધર્મ હોય પણ વ્યવહારમાં આસક્તિ ને દેહાભિમાન તથા માન હોય તેનો સંબંધ રાખે તો ભૂંડું થાય છે. ધર્મ ને નિશ્ચય બેય હોય પણ હિંમત રહિત વાત કરતો હોય તેનો ત્યાગ કરવો અને કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ કરવો. અમારું બળ ન રાખે ને પોતાના પુરુષાર્થનું જ બળ રાખે તેનો ત્યાગ કરવો. નિશ્ચય ને વર્તમાન હોય પણ ટોકે નહિ તો તેનો સંગ ન કરવો ને જે ટોકે તે લોકવ્યવહારે મોટો ન હોય તો પણ તેનો સંગ કરવો. ભક્તિ, જ્ઞાનાદિક ગુણ હોય પણ તે આળસુ હોય તો તેનો સંગ ન કરવો. અહંકારે કરીને પોતાની સરસાઈ દેખાડે ને બીજા સંતના ભક્તિ, જ્ઞાનાદિક ગુણની ન્યૂનતા દેખાડે તેની વાત ન સાંભળવી. જે સંત પોતાના સંબંધીની નિંદા કરતો હોય તેની વાણી સાંભળવી. અમારા ગરીબ ભક્ત આગળ માન ન રાખવું ને સત્સંગમાંથી પાછો પડી ગયો હોય તેની આગળ રાખવું. અમે જ્યાં મૂકીએ ત્યાં જવું પણ અમારાં દર્શનાદિકનું હેત ન રાખવું. વિમુખ અમારો કે સંતનો અવગુણ કહે તેના આગળ અમારું ને સંતનું હેત જણાવવું પણ અમારો અવગુણ લેવો નહિ. અધર્મ જેવું ને નિયમ ભંગ જેવું અમારું વચન ન માનવું. અમારું ધ્યાન કરતાં ઘાટ થાય તો અમારી ને મુક્તની પ્રાર્થના કરવી તો ઘાટ ટળી જાય. સર્વથી સરસ વર્તવારૂપ ગુણનો ત્યાગ કરીને બરોબર વર્તવું. દેહાભિમાનમાં સર્વે દોષ રહ્યા છે અને આત્મનિષ્ઠામાં સર્વે ગુણ રહ્યા છે. અમારા સંબંધી પંચવિષયને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય ને જગત સંબંધી પંચવિષયને સેવે તો અંધકાર થાય છે. દેહના સંબંધીનો યોગ તથા અમારા ભેળાં સ્ત્રીઓનાં દર્શન થતાં હોય એવો સંગ તથા ક્રિયા હોય ને મારકૂટ થાતી હોય ત્યાં અમારી આજ્ઞાએ પણ ન રહેવું. અમારું સાકારપણું પ્રતિપાદન કરતાં હોય તે શાસ્ત્ર વાંચવાં ને સાંભળવાં પણ નિરાકારનું પ્રતિપાદન કરતાં હોય તે વાંચવા - સાંભળવાં નહિ. (૧૧૪)