લોયા : ૧૧
સત્શાસ્ત્ર થકી અવળું સમજે તે અસત્પુરુષ છે ને અતિ દુષ્ટ છે ને એનું ફળ ઘોરતમ નરક ને સંસૃતિ છે. જે જે સ્થાનોમાં જે જે અવતારોની મૂર્તિઓ મનુષ્યરૂપે રહી હોય તે તે સ્થાનોને તે તે અવતારોનાં ધામ જાણવાં. એટલે વૈકુંઠનાથની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્યરૂપે વિરાજતી હોય તે સ્થાનને વૈકુંઠ તુલ્ય જાણવું. તેના પાર્ષદોને વૈકુંઠના પાર્ષદો તુલ્ય જાણવા. તે મૂર્તિને જેવી વૈકુંઠમાં છે તેવી જાણવી. ગોલોકવાસીની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્યરૂપે દેખાતી હોય તે સ્થાનને ગોલોક તુલ્ય જાણવું અને તે મૂર્તિને ગોલોકમાં છે તેવી જાણવી. તેના પાર્ષદોને ગોલોકના પાર્ષદો તુલ્ય જાણવા. તેમજ અક્ષરધામવાસી અમે છપૈયા ધામને વિષે પ્રગટ થઈને મનુષ્યરૂપે દેખાયા છીએ માટે અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જાણવા પણ કાંઈ ફેર જાણવો નહિ. પ્રથમ આવિર્ભાવસ્થાન એવું જે છપૈયાપુર તે તો અક્ષરધામ જ છે તેમાં તો શું કહેવું ? પણ બીજાં જે જે સ્થાનોમાં અમે વિચર્યા તે તે સ્થાનોને પણ અક્ષરધામ તુલ્ય જાણવાં. અમારા ભક્તોને અક્ષરધામમાં મુક્તો છે તેવા જાણવા. અમારા અવતારની મૂર્તિઓને દ્વિભુજ છે અને જે ચતુર્ભુજ, અષ્ટભુજની ભાવના કહી છે તે તો મનુષ્યરૂપ મૂર્તિને વિષે અને અન્ય આકારોને વિષે અવિવેકી મનુષ્યોને સમભાવ ન થાય માટે કહી છે. તમને મળ્યા જે અમે તે તમારે અમારી મૂર્તિનું ધ્યાન કરવું પણ બીજા અમારા અવતારો થઈ ગયા તેમનું ધ્યાન કરવું નહિ. સત્શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું પણ અસત્ પુરુષ થકી ન કરવું. (૧૧૯)