પત્ર : ૭૫

‘ભક્તચિંતામણિ’માં એક વાક્ય એવું છે કે, "ભણેલા ભૂલ્યા ભગવાનને, અભણે ઓળખ્યા અવિનાશ." એ વચન પ્રમાણે કાશી વગેરેના પંડિતોને મહારાજ ઓળખવા દુર્લભ થયા, અને માનકૂવાના નાથા સુથાર જેવા ગાંડાએ ઘોડી પાવા તળાવમાં જતાં બુડાણો જાણી મહારાજે ઘોડીને લાંબો હાથ કરી ઘોડી સહિત તેને બહાર કાઢતા જોઈ, એણે રાશ ઉગામી કહ્યું, ‘‘હું ભગવાન છું એમ કહો, નહિ તો મારું છું.’’, ત્યારે મહારાજે હા પાડી કે મારીશ નહીં, હું ભગવાન છું. [ આ તળાવ રામપુર (કચ્છ) નજીક છે. ] આ રીતે સહેજમાં તેણે ભગવાનને ઓળખી લીધા. આમ ભગવાન દુર્લભ-સુલભ છે.