પત્ર : ૨૯
બાપાશ્રી કહે છે કે તમને ન્યાલકરણ મળ્યા છે, તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે. આથી કેટલો મહિમા કહેવાય ? આપણે તો સારરૂપ શ્રીહરિની મૂર્તિ મુખ્ય રાખવી. એના આધારે છીએ એમ જાણી આનંદમાં રહેવું. આ લોકની મોટપ તો ગમે તેટલી હોય, પણ એ મોટપે કામ ન થાય. મહારાજ તથા તેમના લાડીલા મુક્ત રાજી થાય એટલું જ સમજાવે છે. આપણેને દિવ્ય સત્સંગ સમજાણો એ આપણાં અહોભાગ્ય ! શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના પ્રગટપણામાં આપણે આવી ગયા, જેથી મોક્ષની વાતો સુગમ થઈ ગઈ છે, કેમ કે લાખો કરોડો જન્મ ધરતાં ય મહારાજ ન મળે તે આપણને મળ્યા :
‘‘ન ગઈ ગંગા ગોદાવરી કાશી,
ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી.’’
એવું થયું છે. બાપાશ્રી દૂર દેશથી આવનાર ભક્તોને પૂછતા કે તમારે કચ્છમાં આવતાં કેટલું ખર્ચ થયું ? પછી પોતે જ કહેતા કે અક્ષરધામમાં મહારાજ પાસે પહોંચવું હોય તો કેટલે ખર્ચે પહોંચાય ? મહિમા સમજાવવા આવાં વચનો છે.