ગઢડા છેલ્લું : ૨૭
માયિક સુખ નાશવંત ને દુઃખદાયી જાણવું. અમારું સુખ દિવ્ય જાણીને અમારે વિષે જોડવું. ગમે તેવો કઠણ સ્વભાવ હોય તો પણ સત્સંગના ખપવાળો ટાળી નાખે અને સંતને વચને કરીને સ્વભાવની આંટી મૂકી દે અને વર્તમાનની આંટી મૂકે નહિ. અમારી ને સંતની પ્રસન્નતાને અર્થે વર્તમાન પાળે ને ભક્તિ કરે તે બ્રહ્મર્ષિ છે. તુચ્છ સ્વભાવની આંટી સંતને વચને કરીને મૂકે નહિ તે વર્તમાન પાળતો હોય તો પણ રાજર્ષિ છે. માન, ઈર્ષ્યા ને ક્રોધ તે કામ કરતાં ભૂંડા છે અને અમારું માહાત્મ્ય સમજે તો માન ટળી જાય છે. નિષ્કામાદિક લક્ષણે યુક્ત જે સંત તેને અમારો સાક્ષાત્ સંબંધ હોય એવા સંતને વચને કરીને જ અમારો નિશ્ચય કરવો ને એવા સંતના વચનમાં જ દૃઢ વિશ્વાસ કરવો તેને જ નિશ્ચય કહેવાય. એવા સંત સાથે હેત હોય તેનું કલ્યાણ થાય છે. આત્માનું તથા અમારું યથાર્થ સુખ સમાધિએ કરીને તથા દેહ મૂક્યા પછી આવે છે, પણ કેવળ તેની વાતે કરીને આવતું નથી. (૨૬૧)