પત્ર : ૧૭૦
તમો ‘સહજાનંદ ભુવન’માં રહો છો, તેમ ચૈતન્યને સહજાનંદ રૂપ ભુવનમાં રહેવાનું થાય એટલે ખરો આનંદ આવે, આત્યંતિક મોક્ષ મનાય, જવા-આવવાની, ભેળા થવાની બધી તાણ પૂરી થઈ જાય. પણ જીવને બહાર-વૃત્તિનો અભ્યાસ ઘણો થયેલ હોવાથી એ રીતે રહી શકાતું નથી. ‘વચનામૃત’ ને મોટા મુક્તની વાતોમાં ઘણુંય સમજાવ્યું છે તે વારંવાર વાંચીએ છીએ પણ પાછું તે પ્રમાણે અનુસંધાન રહેતું નથી. આમાં બહારવૃત્તિ નડે છે. જીવને દેહમાં ઓતપ્રોત થઈ જવાનું છે તેને બદલે મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત થવું, એ તો નેવાનાં પાણી મોભે લાવ્યા જેવું છે, છતાં મોટા મુક્તની પ્રસન્નતાને લીધે એમ વરતી શકાય છે. ખટકો જોઈએ. જેમ શ્રવણ, મનન, નિદિધ્યાસ પછી સાક્ષાત્કાર થાય છે, તેમ મોટાના આશીર્વાદ ને રાજીપાથી મૂર્તિ પમાય છે. બાપાશ્રીની વાતોનું મનન થાય તો આ બધું સહેલું છે, કેમ કે તેમણે કૃપા કરી આશીર્વાદ આપ્યા છે. મહારાજનો મહિમા સમજાવી ચૈતન્યને શુદ્ધ કર્યો છે, અનાદિ મુક્તની સ્થિતિ સમજાવી છે, મૂર્તિરૂપ વર્તાય એવા આશીર્વાદ આપ્યા છે, એટલે આપણા અહોભાગ્ય છે.