અમદાવાદ : ૧

યોગ માર્ગના ધ્યાનની પ્રશંસા કરીને તેની રીત બનાવી છે, જે સૂર્ય, ચંદ્રને નેત્ર દ્વારે કરીને હૃદયમાં જોવાં ને પોતાના આત્માને જોવો ને તે આત્મામાં અમારું ધ્યાન કરવું તેણે કરીને સૂક્ષ્મ દેહ જુદું દેખાય ને બ્રહ્માંડની રચના દેખાય ને નાસ્તિક ભાવ ટળી જાય ને સિદ્ધિઓ પ્રાપ્ત થાય પણ અમારો ભક્ત તે સિદ્ધિઓને ગ્રહણ ન કરે ને કેવળ અમારું જ ધ્યાન કરે, તો જેમ સૂર્યને ધ્યાને કરીને સૂર્યના સરખી દૃષ્ટિ થાય છે તેમ અમારે ધ્યાને કરીને અમારા સિદ્ધ મુક્ત સરખી સિદ્ધ દશાને પામે છે. એટલે જેમ અમે અનંત કોટિ બ્રહ્માંડમાં વ્યાપવા સમર્થ છીએ તેમ તે પણ અમારા જેવો જ સમર્થ થાય છે. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા વિના પણ અમારા એકાંતિક ભક્ત અમારું ધ્યાન કરે તો તત્કાળ તે ધ્યાન સિદ્ધ થાય છે. (૨૨૧)