દ્વિતીય આવૃત્તિનું નિવેદન

પરમ યોગીવર્ય, અનાદિ મહામુક્ત, સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીશ્રીની વાતોના આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ.

આ ‘વાતો’ અગાઉ પ. ભા. શા. વલ્લભજીભાઈ કુબેરદાસભાઈએ અમદાવાદમાંથી સં. ૧૯૬૦ (ઈ. સ. ૧૯૦૪)માં છપાવીને પ્રસિદ્ધ કરી હતી. ત્યાર બાદ તે જ પુસ્તક સં. ૧૯૯૫ (ઈ. સ. ૧૯૩૯)માં પ. ભ. જેરામભાઈ રામજીભાઈ મિસ્ત્રીએ ફરી છપાવ્યું હતું. આ બંને પુસ્તકોમાં સ. ગુ ગોપાળાનંદ સ્વામીશ્રીની વાતો ઉપરાંત ધ. ધુ. આદિ આચાર્ય મહારાજશ્રી રઘુવીરજી મહારાજશ્રીની વાતો તથા સ. ગુ. શુકાનંદ સ્વામીશ્રીની વાતો પણ જોડવામાં આવી હતી. તેમાંથી સ. ગુ. ગોપાળાનંદ સ્વામીશ્રીની વાતો જુદી સં. ૨૦૩૧ (ઈ. સ. ૧૯૭૫)માં અમદાવાદના સ. ગુ. પૂજારી સ્વામી શ્રી કૃષ્ણવલ્લભદાસજીએ છપાવી હતી. આ બધી વાતો ‘બે પ્રકરણની વાતો’ તરીકે જાણીતી છે. જે અરસામાં જેરામભાઈ મિસ્ત્રીએ ‘વાતો’ છપાવી તે જ અરસામાં એટલે સં. ૧૯૯૪ (ઈ. સ. ૧૯૩૭)માં રાજકોટના સત્સંગ સાહિત્ય કાર્યાલય તરફથી બ્રહ્મચારી બાલકૃષ્ણાનંદજીએ હસ્તલિખિત પ્રતો મેળવી સંશોધિત કરી સ. ગુ. ગોપાળાનંદ સ્વામીશ્રીની વાતો ‘ત્રણ પ્રકરણ’ તરીકે છપાવી હતી. આ ત્રણ પ્રકરણની વાતોનું સંસ્કૃત અને હિન્દી ભાષાંતર કરીને જૂનાગઢના સ. ગુ. શાસ્ત્રી શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી સ્વામીશ્રીએ સં. ૨૦૨૩ (ઈ. સ. ૧૯૬૭)માં છપાવી, ગુજરાતી નહિ જાણનાર મુમુક્ષુઓ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.

‘બે પ્રકરણ’ની વાતોમાં જે પ્રથમ પ્રકરણ છે તે સ્વામીશ્રી વાતો કરતા તે જ વખતે તે નોંધી લઈ ભેગી કરેલી વાતોનું છે, જે ‘ત્રણ પ્રકરણ’ની વાતોમાં બીજા પ્રકરણ તરીકે રજૂ કરેલ છે. આ ‘બે પ્રકરણની વાતો’ના પ્રથમ પ્રકરણમાં વાર્તા ૧૫૧થી ૧૭૬ ‘શ્રી પુરુષોત્તમ નિરુપણ’ તરીકે જોડવામાં આવી છે (જેને અમે પ્રસિદ્ધ કરેલા આ પુસ્તકમાં વાર્તા ૧૦થી ૩૫ તરીકે આપેલ છે) તે સ્વતંત્ર પુસ્તિકા તરીકે ‘શ્રી પુરુષોત્તમ નિરુપણ’ અથવા ‘સદ્‌ગુરુ વિધાત્રાનંદ સ્વામીકૃત પુરુષોત્તમ પત્રી’ નામે શ્રી સત્સંગ હિતવર્ધક મંડળે સં. ૧૯૭૬ (ઈ. સ. ૧૯૨૦)માં પ્રસિદ્ધ કરી હતી. ‘બે પ્રકરણની વાતો’માં બીજું પ્રકરણ છે તે સ. ગુ. ગોપાળાનંદ સ્વામીશ્રી થકી સિદ્ધ સ્થિતિને પામેલા સ. ગુ. ચૈતન્યાનંદ સ્વામીશ્રીએ સાંભળીને લખી લીધેલી તે છે, તે ‘ત્રણ પ્રકરણની વાતો’માં પહેલા પ્રકરણ તરીકે આપેલ છે. આ બંને પુસ્તકોમાં પહેલા અને બીજા પ્રકરણમાં થોડી વાતો વત્તી-ઓછી છે કે સહેજ-સહેજ પાઠભેદ પણ છે. ‘ત્રણ પ્રકરણવાળી વાતો’માં ત્રીજું પ્રકરણ સ્વામીશ્રીએ જુદી જુદી જગ્યાએ વાતો કરી હોય જે સંત-હરિભક્તોએ લખી લીધી હોય તે સંગ્રહના આધારે બનેલ છે.

અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલા ‘બે પ્રકરણવાળા’ ને ‘ત્રણ પ્રકરણવાળા’ પુસ્તકોમાં વાતોનો ક્રમ વિષયવાર ગોઠવેલ નથી. એક જ વિષય-મુદ્દાની વાતો જુદી જુદી જગ્યાએ વહેંચાયેલી જોવા મળે છે. વળી, સ્વામીશ્રીની ભાષામાં કોઈ કોઈ જગ્યાએ તળપદા રૂઢિપ્રયોગોનો ઉપયોગ જોવા મળે છે. વળી કેટલીક જગ્યાએ સ્વામીશ્રીએ કોઈ મુદ્દો સમજાવવા દૃષ્ટાંત આપ્યું હોય તો તે દૃષ્ટાંતની વિગત જણાવ્યા વિના ફક્ત તે દૃષ્ટાંતોનો ઉલ્લેખ જ કરેલો છે. આથી વાંચનારને સમજવામાં મુશ્કેલી પડે છે. વળી કેટલાક શાસ્ત્રીય શબ્દોના અર્થ પણ હવેના જમાનામાં એટલા પ્રચલિત રહ્યા નથી, તેથી આ પુસ્તકમાં, વાંચનારની સરળતા માટે, નીચેની વિશેષતાઓ સામેલ કરી છે, જેની નોંધ લેવા વિનંતી છે :

(૧) સ્વામીશ્રીની વાતોને વિષયો-મુદ્દાઓ-મુજબ જુદી જુદી જગ્યાએથી એકત્રિત કરીને ફેર-ગોઠવણી કરી છે, આથી મુમુક્ષુઓને એક જ મુદ્દાને લગતાં સ્વામીશ્રીનાં અનુભવસિદ્ધ વચનો એક સાથે વાંચવા મળી શકે.

(૨) આ માત્ર ફેર-ગોઠવણી છે, મૂળ વાતોમાં સહેજ પણ ફેરફાર કરેલ નથી. આની સૌને ખાતરી થાય અને જૂનાં પુસ્તકો સાથે સરખામણી કરવી હોય તો તે થઈ શકે તે માટે પુસ્તકને અંતે ‘સંદર્ભ’ આપેલ છે, જેમાં આ પુસ્તકમાં આપેલી વાતો ‘બે પ્રકરણની વાતો’માં ને ‘ત્રણ પ્રકરણની વાતો’માં કેટલામા નંબરની છે તે મળી આવે છે. જે વાતમાં ‘બે પ્રકરણની વાતો’ ને ‘ત્રણ પ્રકરણની વાતો’માં પાઠભેદ જોવા મળ્યો છે તેમાં ‘બે પ્રકરણની વાતો’નો પાઠ અહીં આપ્યો છે. ‘ત્રણ પ્રકરણની વાતો’માં ત્રીજા પ્રકરણની બધી વાતો તથા પહેલાં-બીજાં પ્રકરણોમાંની વધારાની વાતો પણ અહીં રજૂ કરી છે. આવી વાતોના અંતે તેના નંબર પછી *નું ચિહ્‌ન મૂક્યું છે.

(૩) સ્વામીશ્રીની વાતો સમજવામાં વધુ અનુકૂળ પડે તે માટે એક ‘ટિપ્પણી’ બનાવી પરિશિષ્ટ તરીકે સામેલ કરી છે, જેમાં શાસ્ત્રીય શબ્દોના અર્થ, અઘરા શબ્દોના અર્થ, રૂઢિપ્રયોગોના અર્થ તથા સ્વામીશ્રીએ આપેલાં દૃષ્ટાંતોની વિગત વગેરે આપેલ છે.

આ રીતે પૂર્ણ પુરુષોત્તમ, સર્વાવતારી મહારાજાધિરાજ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના પરમ લાડીલા અને અનેક જીવોને શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપને વિષે જોડવા માટે જ જેમનું આ લોકને વિષે માંગલિક વિચરણ હતું તેવા પરમ કૃપાળુ દયાળુ સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીશ્રીની અનુભવવાણીનું આ પુસ્તક સૌ કોઈને વિશેષ ઉપયોગી થાય તેવા નમ્ર પ્રયત્નો કર્યા છે. આશા છે કે આનાથી સૌને આનંદ થશે. જ્ઞાન ને વ્યવહારના નિરર્થક ઝઘડા પડતા મૂકીને, સર્વ સુખનું ધામ, સર્વ કારણના કારણ ને અપાર સુખ-સામર્થ્ય-ઐશ્વર્યના નિધિ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીની પરમ દિવ્ય મૂર્તિમાં પ્રતિલોમપણે જોડાઈ જવું તે જ જીવનનું એક માત્ર સર્વોત્તમ ધ્યેય છે, તે સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીશ્રીની આ દિવ્ય વાતોમાં સુસ્પષ્ટપણે જણાઈ આવે છે.

આ પુસ્તકની ‘ટિપ્પણી’ બનાવવામાં ‘ભગવદ્‌ગોમંડળ કોશ’ તથા અન્ય શાસ્ત્રોનો આધાર લીધો છે. સ્વામીશ્રીએ આપેલાં દૃષ્ટાંતોની સમજ માટે સ. ગુ. શાસ્ત્રીશ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી સ્વામીશ્રીએ આપી છે તેનો આધાર લીધો છે. આ માટે સ. ગુ. પંડિતવર્ય શાસ્ત્રીજીના અમે ઋણી છીએ.આ ગ્રંથ પ્રકાશનના કાર્યમાં વ્યાકરણશુદ્ધિ, પ્રૂફ સુધારણા, સુંદર મુદ્રણકાર્ય, બાઇન્ડિંગ આદિ છપાઈકામમાં કાળજી રાખી, જહેમત ઉઠાવી સેવારૂપ થનાર સર્વે પર શ્રીજીમહારાજ ને તેમના અનાદિ મહામુક્તોની પ્રસન્નતા સદાય વરસતી રહે એ જ પ્રાર્થના.

સં. ૨૦૫૪, મહાવદ પાંચમ

ઇ. સ. ૧૯૯૮, ૧૬ ફેબ્રુઆરી

- પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન