વાત : ૩૨૨

સંતને મનગમતું કરવામાં ભેદ છે. તે કઈ રીતે જે એક તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ત્યાગ, વૈરાગ્ય રાખે તથા રૂડા સાધુનો સંગ રાખે તથા આત્મનિષ્ઠા અને ભગવાનનું માહાત્મ્ય અને પંચ વર્તમાનના નિયમ પ્રમાણે વર્તવું અને નવ પ્રકારે ભક્તિ કરવી ઇત્યાદિક ભગવાનની આજ્ઞા પ્રમાણે મનગમતું કરવું. અને બીજા કોઈ તેને મુકાવે તો મૂકે જ નહિ. એવું એ પણ મનગમતું કહેવાય. પણ એ મનગમતું ઠીક છે એમાં બાધ નથી અને એવા મનગમતા મોટા સંત કોઈ રીતે મૂકે જ નહિ. અને એને કોઈક સ્વાર્થને અર્થે મુકાવે તો તેને સ્વાર્થી જાણીને મૂકે નહિ. અને તેને દુઃખ ન લાગે એવી કળા કરવી અને જેમ પોતાને દુઃખ ન થાય તેમ વર્તવું પણ એ મનગમતાને મૂકવું નહિ. અને બીજું ગમતું જે ભગવાનની આજ્ઞા પ્રમાણે તો અતિશય ન હોય અને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવું અને તેવાનો સંગ કરવો અને તેવે ઠેકાણે રહેવું તેવી ક્રિયા કરવી, ઇત્યાદિક મનગમતું તે ખોટું છે અને એ બેને સમાન જાણે છે તે મૂર્ખ છે.।।૩૨૨।।