સાધુને પરસ્પર વાર્તા કરવાની રીત

ભગવાન પોતાના અક્ષરધામને વિષે દિવ્ય ઐશ્વર્ય, પાર્ષદ, દિવ્ય-શક્તિએ સહિત રહ્યા છે તેવા ને તેવા જ પ્રત્યક્ષ પ્રમાણ છે એ આદિક જે ભગવાનના માહાત્મ્ય તેની વાર્તા કરવી.।।૧।।

સર્વ સુખમય, સર્વ થકી પર, સર્વના નિયંતા, સર્વના કર્તા, એ આદિક જે ભગવાનની મોટપ તેનું ગ્રહણ કરીને પોતાના સ્વભાવને ટાળવાની વાર્તા કરવી.।।૨।।

ત્રણ દેહ, દસ ઇંદ્રિયો, ચાર અંતઃકરણ તે થકી પૃથક્‌ જે પોતાનો જીવાત્મા તે દેહ, ઇંદ્રિયો ને અંતઃકરણના જે સંકલ્પ ઊઠે છે તે ભેળો જીવાત્મા ભળ્યો છે તેને પૃથક્‌ પાડવો ને દેહ ને દેહનાં સંબંધી ખોટાં થઈ જાય એવી રીતે આત્મનિષ્ઠાની વાર્તા કરવી.।।૩।।

અને નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય એ ચાર પ્રકારના પ્રલયે કરીને સર્વેના ભોગ, દેહ ને લોક તે નાશ થઈ જાય છે ને માયામાંથી થયાં જે પદાર્થ માત્ર તે સંબંધી જે સુખ તે અપાર દુઃખે સહિત છે તે દુઃખને દેખાડીને વૈરાગ્યની વાર્તા કરવી.।।૪।।

નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ, નિઃસ્નેહ, નિર્માન એ જે સાધુના ધર્મ તે જે ધર્મશાસ્ત્રમાં કહ્યા હોય તેને શીખીને તે પ્રમાણે વર્તવું. ને તે પ્રમાણે વાર્તા કરવી.।।૫।।

ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે મન, કર્મ, વચને કરીને નિરંતર કરવી પણ તે ભક્તિ કર્યા વિના વ્યર્થ કાળ જવા દેવો નહિ. ને તે વિના બીજી જે રીતની પોતાના સ્વભાવ અનુસારે પ્રકૃતિ હોય તેને ટાળવી ને તે અંગની વાર્તા કરવી.।।૬।।

સત્‌ અસત્‌ એવા જે દેશકાળાદિક આઠ તેની જે પૃથક્‌ વિક્તિ તેની વાર્તા કરવી.।।૭।।

સત્‌શાસ્ત્રને વિષે કહ્યાં એવાં જે સાધુનાં લક્ષણ તેને જોઈને તે લક્ષણ પોતાને વિષે કેટલાં આવ્યાં છે ને કેટલાં નથી આવ્યાં તેનો તપાસ કરવો ને જે લક્ષણ ન આવ્યાં તે શીખવાં ને તે અંગની વાર્તા કરવી.।।૮।।

શ્રીજીમહારાજે સ્થાપન કર્યાં જે દેવમંદિર તથા ધર્મવંશના આચાર્ય તેની ઉત્કૃષ્ટતા(શ્રેષ્ઠતા) થાય તેવી રીતે વર્તવું ને તેવી રીતે જ વાર્તા કરવી.।।૯।।

શિક્ષાપત્રી આદિક જે આપણા સંપ્રદાયના ગ્રંથ તેને ભણવા ભણાવવાનો અભ્યાસ પોતાની બુદ્ધિ પ્રમાણે રાખવો ને એ અંગેની વાર્તા કરવી.।।૧૦।।

આવી રીત્યે જે સાધુને વર્તવાની રીત તેમાં આળસ રહેતી હોય તેને ટાળવાની વાર્તા કરવી.।।૧૧।।

શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને તત્કાળ સમાધિએ કરીને પ્રાણ, ઇંદ્રિયોનો નિરોધ કરાવીને અનંત ઐશ્વર્યયુક્ત એવાં જે બ્રહ્મપુર, ગોલોક, વૈકુંઠાદિક દિવ્ય પોતાનાં ધામ તેને વિષે પોતાનું દિવ્ય દર્શન દેવું તથા પોતાના ભક્તજનને અંતકાળે વિમાન તથા રથ, અશ્વાદિક દિવ્ય વાહન ઉપર બેસીને દિવ્ય પાર્ષદ સહિત આવીને દર્શન દેવું ને તે ભક્તને પોતાના ધામમાં લઈ જવું એ આદિક જે શ્રીજીમહારાજના ચરિત્ર તેની વિસ્તારીને વાર્તા કરવી.।।૧૨।।