વાત : ૩૯૯

વિષયસક્તિ તથા દેહાભિમાન તથા કામ, ક્રોધ, માનાદિક, દુષ્ટ સ્વભાવ તે કેના ટળે ? તો જે ભક્ત જ્ઞાન, વૈરાગ્ય તથા ભગવત્‌ માહાત્મ્યાદિક સાધનને અભ્યાસે કરીને ધીરે ધીરે તે સ્વભાવને ટાળતો જાય અને થોડો થોડો ટાળવાનો આગ્રહ રાખે અને તે ઉપર નજર હોય તો તે સર્વે ધીરે ધીરે કાળે કરીને ટળી જાય, જેમ ઘટગામીની તિથિ છે તે ધીરે ધીરે ઘટતી ઘટતી ક્ષયને પામી જાય છે, તેમ તે દોષ મૂળમાંથી ઊખડી જાય. અને તે દોષ કોના ન ટળે ? તો જે દોષને ઘટાડે તો નહિ અને મૂળગો વધારતો જાય અનેતે દોષ જેમ જેમ વધે તેવાં સ્થાન, પદાર્થ અને સંગ તેનું સેવન કરતો જાય તેના તો તે દોષ વધતા જાય અને તે સત્સંગમાંથી વિમુખ પણ થાય; જેમ વૃદ્ધિગામીની તિથિ છે તે થોડી થોડી વધતી વધતી વધીને સાઠ ઘડીની થાય તેમ તે દોષ વધતા જાય છે. માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને તે દોષ વધે એવું અચારણ ન કરવું અને જેવી રીતે તે દોષ ઘટે એવી રીતના વિચારમાં રહેવું તથા તેવું આચરણ કરવું.।।૩૯૯।।



ટિપ્પણી

ઘટગામિની તિથિઃ ધીરે ધીરે ઘટતાં ક્ષય તિથિ થાય તેવી તિથિ.

વૃદ્ધિગામિની તિથિઃ ધીરે ધીરે વધતાં વૃદ્ધિ તિથિ થાય તેવી તિથિ.