વાત : ૧૫

શ્રીજીમહારાજે નાગડકાને વિષે પરમહંસ આગળ વાર્તા કરી જે પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થઈ ગયા ને આગળ બીજા થાશે તથા બીજાં ધામોને વિષે જે મૂર્તિઓ છે તે સર્વેના કારણ ને સર્વે થકી પર આ પ્રકટ પુરુષોત્તમ નારાયણ અમે છીએ તેમાં ખોટું કહેતાં હોઈએ તો સર્વે પરમહંસના સમ છે. એવું જે પ્રકટ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન તેમાં જો ખામી રહી જાશે તો કોઈ રીતે વાંધો નહિ ભાંગે. અને જેમ વૈકુંઠવાસીને રહેવાનું વૈકુંઠ ધામ છે ને ગોલોકવાસીને રહેવાનું ગોલોક ધામ છે તેમ અમારે રહેવાનું અક્ષરધામ છે. તે અક્ષરાતીત પ્રકટ પુરુષોત્તમનો જેને નિશ્ચય થયો છે ને સર્વેના કારણ જે અક્ષરબ્રહ્મ તે રૂપ પોતાના આત્માને નથી માનતો તેને તો પ્રકટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય નથી ને જેને મહિમાએ સહિત પ્રકટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય થયો છે તે તો મૂળપુરુષથી પર અક્ષરરૂપ પોતાના આત્માને માનીને અક્ષર જેવા અનંત કોટી મુક્તે સેવ્યા જે અક્ષરાતીત પ્રકટ પુરુષોત્તમ તેમની ઉપાસના ભક્તિ કરતો થકો પોતાને પૂર્ણકામ માને છે તે આ વાર્તા યથાર્થ એકાંતિક ભગવાનના ભક્ત હોય તેને પ્રસંગે કરીને સમજાય છે, પોતાના બુદ્ધિબળે કરીને તથા શાસ્ત્રે કરીને પણ પોતાની મેળે સમજાતી નથી. ।। ૧૫ ।।



ટિપ્પણી

મૂળપુરુષથી પર અક્ષરરૂપઃ શ્રીજીમહારાજની મૂર્તિમાંથી નીકળતા તેજરૂપી- અક્ષરધામરૂપ.