વાત : ૪૬૫
કેમ સમજે તો નિરાકારની વાર્તા શંકરાચાર્ય જેવા કરે તો પણ તેને ગંધ અંતઃકરણને વિષે પેસે જ નહિ ? ઉત્તર જે આમ સમજે તો એ વાતનો ગંધ પેસે જ નહિ. તે સમજવાની રીત્ય જે શ્રુતિ, સ્મૃતિ સર્વેને વિષે પરમેશ્વરને તથા પરમેશ્વરના જે ગોલોક, વૈકુંઠ ને બ્રહ્મપુરાદિક દિવ્યધામ તથા નંદ-સુનંદાદિક દિવ્ય પાર્ષદ તથા લક્ષ્મીજી ને રાધિકાજી એ આદિક દિવ્ય શક્તિઓ એ સર્વેને સાકાર જ કહ્યાં છે ને તે સાકારપણાના નિરૂપણ કરનારાં પણ હજારો શ્રુતિ તથા સ્મૃતિઓ છે તેનાં નામ જે
नित्यो नित्यानां चेतनश्चेतनानां।।१
सएक्षत।।२
सर्वेऽनिमेषा जज्ञिरे विद्युतःपुरुषात्।।३
यदा यदा हि धर्मस्य।।४
जन्म कर्म च में दिव्यं।।५
न मे पार्थास्ति कर्तव्यं।।६
(૧.અર્થ :- નિત્ય ચૈતન્ય અને બહુ જીવાત્માઓના મધ્યે નિત્ય, ચૈતન્ય અને એક જ પરમાત્મા જીવાત્માઓના મનોરથોને પૂર્ણ કરે છે.
૨. તેણે જોયું.
૩. તેજોમય પુરુષાકાર શ્રી ભગવાનથી સર્વ દેવો ઉત્પન્ન થયા.
૪. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે હું અવતરું છું.
૫. મારાં જન્મ અને કર્મ દિવ્ય છે.
૬. હે અર્જુન ! મારે કંઈ પણ કરવા યોગ્ય નથી.)ઇત્યાદિક અને શ્રુતિ સ્મૃતિના વચને એ સર્વેના સાકારપણાનો દૃઢ ઠરાવ કર્યો હોય ને શુદ્ધ સંપ્રદાયે કરીને સત્પુરુષથી અધ્યાત્મજ્ઞાન શ્રવણ કર્યું હોય તો નિરાકારપણાની પ્રતીતિ સ્વપ્નમાં પણ થાય નહિ ને અસત્ સંપ્રદાયના અસત્ પુરુષ પાસેથી જ્ઞાન પામ્યો હોય તો તેને નિરાકારની પ્રતીતિ થાય છે. માટે સત્ અસત્ના વિવેકનું મુખ્ય કારણ તો સત્ અસત્ પુરુષ જ છે.।।૪૬૫।।