વાત : ૨૯૬

શાન્તાનંદ સ્વામીએ કહ્યું જે સત્સંગી ક્યારે થાય ?

ઉત્તર : જે જ્યારથી જેણે વર્તમાન ધાર્યાં ત્યારથી તે સત્સંગી તો થયો. ત્યાં દૃષ્ટાંત જેમ કુંભારે ચક્ર ઉપર માટીનો પિંડો ઘડો કરવાને અર્થે મૂક્યો ત્યારથી તેનું નામ ઘડો પડ્યું પણ એ ચક્રથી ઊતરશે ને તડકે સૂકવશે ને ઘડશે ને નિંભાડામાં બાળશે ને પછી પાણી ભરીને વાવરશે, તે એટલે ઠેકાણે જો નક્કી રહ્યો તો જાણીએ જે હવે આ નીવડ્યો ને નક્કી ઘડો થયો. તેમ ભગવાનના માહાત્મ્યપૂર્વક ત્રણ અંગે સહિત ભક્તિ કરતે કરતે આત્માનેવિષે જ્યારે પરમાત્માનું દર્શન થાય ત્યારે સત્સંગી સંપૂર્ણ થયો જાણવો. તે એકાદશીના (મધ્યના ૮મા) વચનામૃતને વિષે કહ્યું છે જે યજ્ઞ કરતે કરતે જ્યારે હૃદયને વિષે પુરુષોત્તમ ભગવાન દર્શન આપે ત્યારે યજ્ઞ પૂરો થયો જાણવો. ત્યાં પર્યંત ઇંદ્રિયોની વૃત્તિને ભગવાનના સ્વરૂપને વિષે હોમ્યારૂપી યજ્ઞ તે નિરંતર કર્યા કરવો.।।૨૯૬।।



ટિપ્પણી

વાવરશેઃ વાપરશે.

નીવડ્યોઃ ઘડાઈને રીઢો થયો, સિદ્ધ થયો.