વાત : ૩૩૯
ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણમાં નિશ્ચયની વાર્તા કરી. અને ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણમાં જ્ઞાનની વાર્તા કરી. અને ચાર પ્રકારની માયા જીત્યાની વાર્તા કરી. તેની વિગત જે જીવની, ઈશ્વરની, પ્રધાન-પુરુષની ને મૂળપુરુષની માયા જીતે તો આ બે શ્લોકમાં જેવા મુક્ત કહ્યા છે તેવા સમર્થ થાય. તેનાં નામ,
देहेंद्रियासुहीनानां वैकुण्ठपुरवासिनाम् ।
देह संबंध संबंद्धमेतदारव्यातुमर्हसि।।
(અર્થ :- દેહ, ઇંદ્રિય ને પ્રાણરહિત અને વૈકુંઠ ધામને વિષે રહેનારાને દેહનો સંબંધ કેવીરીતે થયો તેને કહેવાને યોગ્ય છે. - ભા. પં. અ. ૧-૩૪)
અને
त्रुद्मह्व त्वमकरणः स्वराऽखिलकारकशक्तिधर ।
स्तवबलिमुद्धहन्ति समदंत्यजयानिमिषाः।।
वर्षभुजोऽखिलक्षितिपतेरिव विश्वसृजो ।
(અર્થ : તમે માયિક ઇંદ્રિયોથી રહિત, સ્વતંત્ર અને સમગ્ર ઇંદ્રિયોની શક્તિને ધારણ કરનારા છો. તમોએ જેને જે પ્રમાણે આજ્ઞા આપી છે તે પ્રમાણે સર્વ પ્રધાનપુરુષાદિક ઈશ્વરો તથા ઇન્દ્રાદિક દેવતાઓ તમારાથી ભય પામતા થકા તે તે અધિકારને યથાર્થ રીતે પાલન કરે છે અને જેમ ખંડીઆ રાજાઓ પોતાની પ્રજાએ આપેલા કરને સ્વીકારીને ચક્રવર્તી રાજાને આપે છે, તેમ તે પ્રધાનપુરુષાદિકો પોતાના ભક્તોએ આપેલા બલિદાનને ગ્રહણ કરે છે અને તે તમોને બલિદાન આપે છે. - ભા. દ. અ. ૮૭-૮૮)
એ બે ષ્લોકના અર્થ તો સત્પુરુષ યથાર્થ જાણે છે.||૩૩૯||