વાત : ૪૫૭
સ્વામી બોલ્યા જે મને મહારાજે કહ્યું જે આકાર રહિત વર્તવું ત્યારે તેમાં શંકા કરી જે મૂર્તિ ભૂલી જવાશે તો ? ત્યારે તે સાંભળીને મહારાજ બહુ દિલગીર થઈ ગયા ને નેત્રકમળ સજળ થઈ ગયાં ને એમ બોલ્યા; જે જેને રાજી કરવાને અર્થે પ્રયત્ન કરે છે તે મૂર્તિને કેમ ભૂલી જવાશે. એઓમ મહારાજ બોલ્યા તે દિવસથી મારા હૃદયને વિષે એ વચન અચળ ખૂંચી રહ્યું છે ને તેમ જ વર્તાય છે ને શ્રીજીમહારાજને એમ વર્તવું ગમે છે. માટે અનેક યુક્તિએ કરીને એ વાર્તા કરીએ છીએ ને એવી સ્થિતિવાળાને તો અન્ય સંકલ્પ થાય જ નહિ ને કદાચિત્ અસત્ દેશકાળાદિકને જોગે કરીને જો થાય તો જેમ બીજા દેહે કરીને પ્રાયશ્ચિત્ત કરીને સંતોષને પામે છે તેમ એ જ્ઞાની ન પામે. એ તો ઉપશમરૂપ પ્રાયશ્ચિત્તે કરીને જ સંતોષ પામે છે તે વાત यस्य ज्ञानमयं तपः (અર્થ :- જેનું જ્ઞાનમય તપ છે.) એ શ્રુતિમાં કહી છે માટે સવાસનિક ને નિર્વાસનિક હરિભક્તના પ્રાયશ્ચિત્તને વિષે બહુ ફેર છે.।।૪૫૭।।