વાત : ૧૧૨
ઉપશમે કરીને ભક્તને ઐશ્વર્ય જણાય છે તે જેમ જેમ ઉપશમમાં અતિશય રહેવા માંડે તેમ તેમ અધિક અધિક ઐશ્વર્ય દેખાતાં જાય છે. તેની વિગત જે પ્રથમ તો ઇન્દ્રાદિકનાં ઐશ્વર્ય જણાય છે તે પછી બ્રહ્માદિકનાં ઐશ્વર્ય દેખાય છે તે પછી વૈરાજપુરુષનાં ઐશ્વર્ય જણાય છે તે પછી પ્રધાનપુરુષનાં ઐશ્વર્ય જણાય છે, તે પછી મૂળપુરુષનાં ઐશ્વર્ય જણાય છે પણ એ ઐશ્વર્યને વિઘ્નરૂપ ને નાશવંત જાણીને શ્રીજીમહારાજના મહિમાને સમજીને ઉપશમમાં રહ્યા થકા ભજન કર્યા કરે તો એકાંતિક ભક્ત થાય છે. ત્યારે કહેશો જે ઉપશમ તે શું તો કહીએ છીએ જે પોતાની ઇંદ્રિયો ને અંતઃકરણ એમની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપને વિષે અખંડ જોડી રાખવી પણ ક્યારેય પંચ વિષયને વિષે તણાવા દે નહિ એનું નામ તે ઉપશમ કહેવાય.।।૧૧૨।।