વાત : ૯

એક હરિભક્તને મહારાજે કહ્યું જે અક્ષરધામમાં જઈ આવો. પછી તે સમાધિ કરીને સર્વે ધામ જોઈને અક્ષરધામમાં ગયો. તેને મહારાજે પૂછ્યું જે ક્યા ક્યા ધામમાં જઈને આવ્યા ? ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ ! આપણા કેટલાક સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગી તે બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં તથા વૈકુંઠમાં તથા ગોલોકમાં એ સર્વે ધામમાં તે સર્વેને મેં દીઠા તે અહીં કેમ ન આવ્યા ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે અમને તે તે ધામના પતિ જાણ્યા માટે ત્યાં રહ્યા છે અને આ સર્વે છે તેમણે તો અમને સર્વે અવતારના અવતારી જાણીને અને વળી સર્વે ધામ થકી પર જે બ્રહ્મમહોલ તેના પતિ અમને જાણ્યા છે તે માટે એમને અમે અક્ષર જેવા કર્યા છે અને પૂર્વે જે કહ્યા તેમણે તો અમને તે તે અવતાર જેવા જાણ્યા. તે માટે એમને તે તે અવતારના જેટલું ઐશ્વર્ય આપ્યું છે અને તે તે ધામના પતિ અમને જાણીને તે તે ધામમાં રહ્યા છે તે જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને, એમ કહે જે અમને તમે ભરમાવો છો. પણ અમે એમ તમારા સ્વરૂપમાંથી પડીએ એવા નથી એમ કહીને તે તે ધામમાં રહે છે, તે વાર્તા એકાંતિક સાધુ વિના સમજાય નહિ. ।। ૯ ।।



ટિપ્પણી

બ્રહ્મમહોલઃ અક્ષરધામ