વાત : ૧૩૧
સત્યયુગ તથા ત્રેતાયુગ તથા દ્વાપરયુગને વિષે ભગવાન પોતાના ભક્તની રક્ષાને અર્થે સુદર્શન ચક્રને મોકલતા અને તે ચક્રે કરીને ભક્તની રક્ષા કરતા અને કળિયુગને વિષે તે ચક્ર મૂકીને કેમ ભક્તની રક્ષા કરતા નથી ? શું કળિયુગના ભક્ત ભગવાનને વહાલા નથી ? અને હળાહળ કળિને વિષે ભગવાનનું ભજન કરે તેની તો ભગવાને વિશેષ રક્ષા કરવી જોઈએ. માટે કળિને વિષે ભક્તની રક્ષાને અર્થે સુદર્શન ચક્રને કેમ મોકલતા નથી ? શું કળિયુગમાં ભગવાનની વિષમ દૃષ્ટિ થઈ જે બીજા યુગની ભક્તની રક્ષા કરી ને કળિયુગમાં ભક્તની રક્ષા નથી કરતા ? ઉત્તર કર્યો જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જ સુદર્શન ચક્ર છે ને તે ચક્રને વિશે દશ હજાર સૂર્યનો પ્રકાશ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે તો જુઓને, જ્ઞાનને વિષે પણ એટલો પ્રકાશ છે કેમ જે જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારું છે તે ચંદ્રમા તથા સૂર્ય તથા પ્રલયકાળનું મહાતેજ તે કોઈ જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારાને ટાળવા સમર્થ નથી. તે અંધારાને જ્ઞાન ટાળી નાખે છે. તે જુઓ દશ હજાર સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ છે અને સુદર્શન ચક્ર સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગને વિષે ભગવાનના ભક્તની રક્ષા કરતું ને આ જ કળિયુગને વિષે તેનું તેજ રક્ષા કરે છે. ત્યારે કહેશો જે કઈ રીતે રક્ષા કરે છે તે કહીએ છીએ : જ્યારે પ્રભુનો ભક્ત હોય તેના હૃદયમાં કામ, ક્રોધાદિક ભૂંડા ઘાટ બંધાય છે ત્યારે તે ભક્તને એવો વિચાર થાય જે મને ભગવાન મળ્યા તે હું એવો લાભ મૂકીને ભગવાનના વચનને લોપીને કુમાર્ગે કેમ ચાલુ એવો ભગવાનના નિશ્ચય યુક્ત વિચાર થાય છે ત્યારે ભૂંડા ઘાટ ટળી જાય છે. માટે ભક્તજનના શત્રુ તથા રાક્ષસ તો કામક્રોધાદિક છે તે થકી રક્ષા પણ જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર તે કરે છે. માટે કળિયુગને વિષે જો ભગવાન સુદર્શન ચક્ર મોકલીને અંબરીષ રાજાની પેઠે ન કરતા હોય તો એથી સત્સંગના વર્તમાન પણ પળે નહિ ને પ્રભુનું ભજન પણ થાય નહિ કેમ જે કામક્રોધાદિક તો એવા બળિયા છે તે શિવ-બ્રહ્માદિકની લાજ લીધી છે તો જીવનો શો ભાર ? માટે ભગવાન પોતાના ભક્તની જ્ઞાનરૂપી સુદર્શન ચક્રે કરીને સર્વે કાળને વિષે રક્ષા કરતા આવે છે ને આજ પણ જ્ઞાનરૂપી સુદર્શન ચક્રે કરીને પોતાના ભક્તની રક્ષા કરે છે. માટે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તે જ સુદર્શન ચક્ર છે.।।૧૩૧।।