વાત : ૩૫૬
જેમ થોડી બુદ્ધિવાળો પુરુષ હોય પણ જો તે વિદ્યા ભણ્યાનો અભ્યાસ અતિશય મન, કર્મ, વચને વેગે સહિત કરે તો તેને વિદ્યા આવડે અને જે ભણે તે આવડે અને બુદ્ધિવાન હોય પણ અભ્યાસ ન કરે તો કોઈ વિદ્યા ન આવડે; તેમ જો એ વિષયને અભાવ કર્યાનો દૃઢ અભ્યાસ રાખે તો તેને જરૂર અભાવ થાય અને જે એવો અભ્યાસ નથી થાતો તે એને એનો સુધો ખપ જ નથી. જો ખપ થાય તો જરૂર અભ્યાસ કરે કેમ જે જગતમાં દેખાય છે જે જે સ્ત્રી, ધન, રાજ્ય, માન, સ્વાદ તેનો ખપ છે તો તેને અભ્યાસ કરીને તેને સિદ્ધ કરે છે અને તેમાં દૈહિક દુઃખ થાય છે તેને ગણતા નથી અને રાત દિવસ તેના જ મનસુબા કરે છે તેમ અભ્યાસ રાખવો. અને એવો અભ્યાસ તો નથી કર્યો અને જે સહજ સ્વભાવે સાત્વિકપણાની પ્રકૃતિ થકી અથવા થોડુંક શ્રીહરિજીનું માહાત્માય જાણીને નિયિમમાં રહીને જે વિષયના ત્યાગી જણાય છે તે જો વિષયનો ત્યાગ જ રાખે અને તેનો સંબંધ ન થવા દે તો તો એ પાર પડે અને જો વિષયનો સંબંધ એને વિષમ, દેશ, કાળ સંગે કરીને થઈ જાય તો તે વિષયને મૂકી શકે નહિ. કેમ જે આવો અભ્યાસ કરીને વિષયની તુચ્છતા જાણી છે તે તો વિષયને ગ્રહણ કરે અને મૂકવા ઘટે ત્યારે મૂકી દે અને તેના ગ્રહણ ત્યાગને વિષે સ્વતંત્ર થાય પણ બંધાઈ રહે નહિ માટે એને એનો ભય નથી. ને જેણે આવો અભ્યાસ નથી કર્યો તેને ભય છે. માટે નિરંતર વિષયના દુઃખપણાની ભાવનાનો અભ્યાસ રાખવો.।।૩૫૬।।