વાત : ૨૧૭

સંત સભામાં એમ પ્રસંગ નીસર્યો જે સરળ સ્વભાવ સારો છે ? ત્યારે મોટા સંત કહે જે સરળ સ્વભાવને વિષે એક દોષ છે તે સત્પુરુષના સંગે કરીને ધર્મ-જ્ઞાનાદિક ગુણે સહિત શ્રીજીમહારાજની ભક્તિ કરતો હોય ને તેને અલ્પ બુદ્ધિવાળા સાધુ મળે ને આડીઅવળી વાર્તા કરીને કોઈક બીજે માર્ગે ચડાવી દે તો પણ ચડી જાય માટે સર્વે ઠેકાણે સરળપણું ઠીક નહિ ને જ્યાં રાખવું ઘટે ત્યાં સમજીને રાખે તો સરળપણું ઠીક છે ને આંટી પણ જ્યાં રાખવી ઘટે ત્યાં રખે તે ધર્માદિક પાળ્યાને વિષે તો સમજીને રાખે ને જ્યાં ન રાખવી ઘટે ત્યાં ન રાખે તો સમજું કહેવાય, નહિ તો સ્વભાવવશ કહેવાય.।।૨૧૭।।