વાત : ૩૪૪

દેહ ને દેહના સંબંધીને વિષે જીવને અતિશય હેત રહે છે ને આ મનોહરદાસને આપણે સર્વે રાંકની પેઠે તગડીને કાઢી મેલીએ છીએ પણ જો આપણો સંબંધી રાંક થઈને આવ્યો હોય તો તે ઉપર દયા આવી જાય ને કોઈક કાઢી મેલે ને અન્ન ન દે તો તે સંતનો પણ અગવુણ આવે. તે ઉપર પ્રાંતિજના ગોવિંદરામને દેહ ને દેહના સંબંધીમાં હેત હતું તેને દૃષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી.।।૩૪૪।।



ટિપ્પણી

ગોવિંદરામનું દૃષ્ટાંતઃ ગોવિંદરામ નામના વિપ્ર હરિભક્તને દેહ ને દેહના સંબંધીમાં બહુ હેત હોવાથી કાંઈ દોષમાં આવ્યા. શ્રીહરિએ તેમને વિમુખ કરીને કાઢી મૂક્યા. તે છતાં ગોવિંદરામ તો રોજ મંદિરમાં આવતા જ રહ્યા. એ આવે ત્યારે એમનો તિરસ્કાર કરવો એવી શ્રીહરિની આજ્ઞાથી એમનો ઘણો તિરસ્કાર થયો, તે છતાં તેમણે મંદિરમાં આવવાનું છોડ્યું જ નહિ. શ્રીજી ત્યાં પધાર્યા ત્યારે શ્રીજી કહેઃ ગોવિંદરામ, તું દોષિત છે તેથી અમે મંદિરમાંથી તને કાઢી મૂકીએ છીએ. ત્યારે ગોવિંદરામે કહ્યુંઃ મારામાં દોષ છે, તેવો તમારામાં પણ દોષ છે. તમે મારા હૃદયમાં પેસી ગયા છો તે નીકળતા જ નથી, જો તમે મારા હૃદયમાંથી નીકળી જાવ તો હું મંદિરમાંથી નીકળી જાઉં ! જો તમે મારા હૃદયમાંથી ન નીકળો તો કૃપા કરીને મને પણ તમારી સાથે રહેવા દો ! આવી વાણી સાંભળી શ્રીજ પ્રસન્ન થયા અને પ્રાયશ્ચિત્ત કરાવી સત્સંગમાં રાખ્યા.